Site icon Revoi.in

સુરતમાં કોરોના મહામારી વચ્ચે વેક્સિનનો જથ્થો ખુટી પડ્યોઃ એક દિવસ માટે ડ્રાઈવ બંધ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 70 લાખથી વધારે લોકોએ કોરોનાની રસી મેળવી છે. બીજી તરફ સરકારે પણ દરરોજ બે લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દરમિયાન સુરતમાં કોરોનાની રસીનો જથ્થો ખુટી પડતા એક દિવસ એક્સિનેશન ડ્રાઈવ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં હાલ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે કોરોના સામે રક્ષણ આપતી રસીનો જથ્થો જ ખુટી પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો છે. વેક્સિનનો જથ્થો ખુટી પડવાનાં કારણે આજે વેક્સિનેશન ડ્રાઈવ આજે બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.. આવતીકાલથી ડ્રાઈવ ફરી શરૂ થવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યાં હોય તેમ બંને શહેરોમાં જ પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 5,222 બેડની વ્યવસ્થા કરાઈ છે.

સુરતમાં પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન દર્દીઓની સારવાર માટે વેન્ટીલેટરની માંગમાં વધારો થયો છે. હાલ સુરતના આરોગ્ય તંત્ર પાસે માત્ર 717 વેન્ટિલેટર મશીનો ઉપલબ્ધ છે જેમાં સ્મીમેર હોસ્પિટલમાં 150, સિવિલ હોસ્પિટલમાં 260, ખાનગી હોસ્પિટલમાં 307 વેન્ટિલેટર મશીનો છે. જ્યારે 208 વેન્ટિલેટર સ્ટેન્ડ બાય છે જોકે હાલની સ્થિતિને જોતા તંત્રએ સરકાર પાસે વધુ નવા 500 વેન્ટિલેટર મશીનોની માગ કરી છે.