Site icon Revoi.in

અમિત ચાવડાની અનોખી પહેલઃ MLAની ગ્રાન્ટમાંથી રેમડેસિવિર ઈન્જેકશન માટે રૂ. 10 લાખ ફાળવ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થતા સંક્રમણને અટકાવવા અને પીડિતોની સેવા માટે સરકારની સાથે સામાજીક અને રાજકીય આગેવાનો આગળ આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેમડેસિવિર ઈન્જેકશનની અછતને ધ્યાનમાં રાખીને પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઈન્જેકશનની ખરીદી કરવા માટે રૂ. 10 લાખની ફાળવણી કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતાની સાથે મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. તેમજ ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેકશન અને તબીબ સહિત મેડિકલ સ્ટાફની અછતની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન કોંગ્રેસે રાજીવ ગાંધી ભવનમાં હંગામી ધોરણે કોવિડ સેન્ટર શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાની આંકલાવ બેઠકના ધારાસભ્ય અમિત ચાવડાએ આણંદમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે રૂ. 10 લાખની ફાળવણી કરી છે. આ રકમ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે. જેથી દર્દીઓના પરિવારજનોને ઈન્જેકશન માટે હાડમારીનો સામનો ન કરવો પડે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં ઈન્જેકશનના વિતરણને લઈને વિવાદ ઉભો થયો હતો. આ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કોંગ્રેસે પણ ઈન્જેકશનની માંગણી કરી હતી. આ મુદ્દે વિવાદ વકરતા અંતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી.