નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: દેશની ચૂંટણી અને વહીવટી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા વિધેયકોને પગલે સંસદમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન બુધવારે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ગૃહમંત્રી અમિત શાહે મહત્વના બિલ રજૂ કર્યા હતા, જેનો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો છે.
સત્રની શરૂઆતમાં જ સરકારે ત્રણ મુખ્ય વિધેયકો રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે બંધારણ (131મો સુધારા) વિધેયક 2026 બિલ અને સીમાંકન પ્રક્રિયાને વેગ આપવા માટેનું પરિસીમન વિધેયક 2026 બિલ પણ મેઘવાલે રજૂ કરવાની દરખાસ્ત મુકી હતી. આ ઉપરાંત કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) વિધેયક 2026 રજૂ કરવાની પ્રસ્તાવ મુક્યો હતો.
સરકારના જણાવ્યા અનુસાર, આ નવા વિધેયક હેઠળ લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને મહત્તમ 850 કરવામાં આવી શકે છે. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ 2029ની ચૂંટણી પહેલા મહિલા અનામતનો અમલ કરવાનો છે. આ માટે 2011ની વસ્તી ગણતરીને આધાર માનીને સીમાંકન કરવામાં આવશે. બિલમાં એવી પણ જોગવાઈ છે કે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવામાં આવશે, જે રોટેશન મુજબ નક્કી થશે. દરમિયાન કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે આ ત્રણેય બિલોનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ ફેરફારો લોકશાહીના માળખા પર અસર કરી શકે છે. વિપક્ષી દળોએ સંયુક્ત રીતે સીમાંકનના જોગવાઈઓનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે, જોકે તેઓ મહિલા અનામતના સમર્થનમાં છે.
વિપક્ષના વિરોધ પર વળતો પ્રહાર કરતા અમિત શાહે જણાવ્યું કે, “કે.સી. વેણુગોપાલ અત્યારે માત્ર ટેકનિકલ વાંધા જ ઉઠાવી શકે છે, બિલના ગુણ-દોષ પર ચર્ચા કરવાનો આ સમય નથી.” તેમણે ખાતરી આપી હતી કે જ્યારે ગૃહમાં ચર્ચા થશે ત્યારે સરકાર વિપક્ષના તમામ સવાલોના મજબૂત જવાબ આપશે. વિપક્ષનો મુખ્ય વાંધો સીમાંકનની પ્રક્રિયા અને તેના અમલીકરણના સમયગાળા સામે છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોને ડર છે કે વસ્તીના આધારે બેઠકો વધતા તેમને રાજકીય રીતે નુકસાન થઈ શકે છે. જ્યારે સરકારનું કહેવું છે કે વહીવટી માળખું મજબૂત કરવા અને મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે આ ફેરફારો અનિવાર્ય છે.

