Site icon Revoi.in

અમદાવાદના સિવિલના કેમ્પસમાં તબીબી વિદ્યાર્થિનીઓ માટે 8 માળની હોસ્ટેલ બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરના બીજે મેડિકલ કોલેજના અને સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા તબીબી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલના મામલે મુશ્કેલી વેઠી રહ્યા છે. આખરે તબીબી વિદ્યાર્થી માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ.51 કરોડના ખર્ચે એકસાથે 528 વિદ્યાર્થિનીની રહેવા અને જમવાની સુવિધા સાથેની 8 માળની અત્યાધુનિક ગર્લ્સ હોસ્ટેલ બનાવાશે. ગર્લ્સ હોસ્ટેલના દરેક બ્લોકમાં 66 વિદ્યાર્થિઓ રહી શકે તેમ જ લાઇબ્રેરીથી ડાઇનિંગ હોલ સાથેની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ હશે. હોસ્ટેલ બની જતાં બી. જે. મેડિકલની હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની લાંબા સમયથી હોસ્ટેલની માગણી પૂર્ણ થશે. પ્રોજેક્ટ પૂરો થતાં અંદાજે 15 મહિના જેટલો સમય લાગશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં ગુજરાત ઉપરાંત બહારના રાજ્યની વિદ્યાર્થિનીઓ પણ અભ્યાસ માટે આવતી હોય છે. થોડા સમય પહેલાં વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલની પૂરતી વ્યવસ્થા ન હોવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયા હતા. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના રૂમ ખાલી કરી બી. જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં માલસામાન સાથે ધામા નાખ્યા હતા. જોકે હવે નવી હોસ્ટેલ બિલ્ડિંગ બનતાં વિદ્યાર્થિનીઓને આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે.

સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માળની હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું હતું. બી. જે. મેડિકલ કોલેજમાં ગુજરાત ઉપરાંત બહારના રાજ્યની વિદ્યાર્થિનીઓ પણ અભ્યાસ માટે આવે છે ત્યારે રૂ. 51 હજારને ખર્ચે તૈયારી થનારી 20,670 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી 8 માળની આ હોસ્ટેલમાં પાર્કિંગથી લઇને કેન્ટિન સુધીની સુવિધા ઊભી કરવામાં આવશે. બી. જે. મેડિકલની હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની લાંબા સમયથી હોસ્ટેલની માગણી પૂર્ણ થશે. પ્રોજેક્ટ પૂરો થતાં અંદાજે 15 મહિના જેટલો સમય લાગશે.

 

 

Exit mobile version