Site icon Revoi.in

અંકલેશ્વરમાં હવે કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશેઃ કંપનીએ ટ્વીટ કરી જાણકારી આપી

Social Share

અમદાવાદઃ દેશમાં કોરોના વિરોધી રસીની માગ વધતા રસીનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. કોરોનાના કેસ વધતા લોકોમાં હવે કોરોના વિરોધી રસી લેવા માટે જગૃતિ આવી છે અને લોકો સામે ચાલીને રસી લેવા માટે આવી રહ્યા છે. 18 વર્ષથી વધુ વયના તમામા લોકોને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતાપ્રાપ્ત અપાઈ છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે. ત્યારે ઉત્પાદન વધારવા પર ભાર અપાઈ રહ્યો છે. હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનનું ઉત્પાદન અંકલેશ્વરમાં થવા જઈ રહ્યું છે.

ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી કે, અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં ઉત્પાદન શરૂ કરશે. જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ થઈ શકે છે, જ્યારે ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.  હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટે પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશે. અંકલેશ્વર સ્થિત સબસિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. ગુજરાતમાં શરૂ થનારા આ ઉત્પાદનને કારણે ગુજરાતીઓને વિશેષ લાભ મળશે કે નહિ એ પર હજુ કોઈ સ્પષ્ટતા થઇ નથી. જોકે ગુજરાતની ધરા ઉપર વૈશ્વિક મહામારીને નાથવા માટે મહત્ત્વનું શસ્ત્ર મનાતી વેક્સિનનું ઉત્પાદન મહત્ત્વની અને ગર્વની બાબત મનાઈ રહી છે.