અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની પસંદગી બાદ છેલ્લા કેટલાક સમયથી વિવિધ મોરચાના પ્રમુખોની નિમણુંકને લઈને ચર્ચાઓ વહેતી થઈ હતી. સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી બાદ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે વિવિધ મોરચાના પ્રમુખોની નિમણુંકો અટકી હતી. જો કે, આજે પાટીલ દ્વારા પ્રદેશ મહામંત્રીઓને વિવિધ ઝોનની ફાળવણી કરવાની સાથે વિવિધ મોરચાના પ્રમુખોના નામની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન, કર્ણાવતી મહાનગર અને પ્રદેશ કાર્યાલય, ભાર્ગવ ભટ્ટને મધ્ય ઝોન, રજનીભાઈ પટેલને કચ્છ અને ઉત્તર ઝોન તથા વિનોદ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ મીડિયા સહ કન્વીનર કિશોર મકવાણાને પ્રદેશના સહ પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે.
યુવા મારચાના પ્રમુખ તરીકે રાજકોટ જિલ્લાના પ્રશાંત કોરાટ, મહિલા મોરચાના પ્રમુખ તરીકે અમદાવાદના પ્રો. ડો દીપીકાબેન સચિન સરડવા, અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખ તરીકે અમદાવાદના ડો. પ્રદ્યુમનભાઈ વાઝા, અનુસૂચિત જન જાતિ મોરચાના પ્રમુખ પદે નર્મદાના હર્ષદભાઈ વસાવા, કિસાન મોરચાના પ્રમુખ પદે સાબરકાંઠાના હિતેશ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે રાજકોટ શહેરના ઉદયભાઈ કાનગડ અને લઘુમતિ મોરચાના પ્રમુખ તરીકે સુરત શહેરના ડો.મોહસીન લોખંડવાલાની પસંદગી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા રાજ્યમાં ભાજપના સંગઠનને વધારે મજબુત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની પસંદગીમાં તેમણે તમામ ઝોનને યોગ્ય સ્થાન આપ્યું છે.