Site icon Revoi.in

ભરૂચમાં યોજાયું “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”નું વાર્ષિક અધિવેશન

Matribhasha Gaurav Pratishthan

Matribhasha Gaurav Pratishthan

Social Share

ભરૂચ, 15 ફેબ્રુઆરી, 2026 – Matribhasha Gaurav Pratishthan ભરૂચમાં નારાયણ વિદ્યાવિહારના પરિસરમાં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન“નું વાર્ષિક અધિવેશન દિનાંક ૮ ફેબ્રુઆરીને રવિવારના દિવસે યોજાયું, જેમાં ‘માતૃભાષા ગૌરવ પુરસ્કાર’ અર્પણનો કાર્યક્રમ થયો.

સમગ્ર ગુજરાતમાંથી ભાષાવિદો, સાહિત્યપ્રેમીઓ અને માતૃભાષાની ચિંતા સેવતા સતત કાર્યરત એવા ભરૂચ જિલ્લાના શિક્ષકો મળી કુલ ૧૦૦ લોકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર ગુજરાતમાં આ અભિયાનની જ્યોત પ્રજ્વલિત કરવાનું ભગીરથ કાર્ય જેઓ કરી રહ્યા છે એવા “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”ના ઉપાધ્યક્ષ હર્ષદભાઈ શાહ, અધ્યક્ષ IAS અધિકારી ડૉ. ભાગ્યેશ જહા, UPL યુનિવર્સિટીમાંથી ડૉ. શ્રીકાંત જે. વાઘ, પારૂલ યુનિવર્સિટીના પ્રતિનિધિ દિગંત પટેલ, બહુશ્રુત ભાષાવિજ્ઞાની અને માતૃભાષાના આજીવન ઉપાસક ડૉ. રક્ષાબેન દવે, જાણીતાં કવયિત્રી સાહિત્યકાર ડૉ. ઉષાબહેન ઉપાધ્યાય તથા માતૃભાષા અભિયાનના પ્રેરક અને સાહિત્યકાર રાજેન્દ્ર પટેલ તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સર્વ ન્યાસીઓ- ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ૪૦ જેટલા સક્રિય શિક્ષકો હાજર રહ્યા હતા.

Matribhasha Gaurav Pratishthan

કાર્યક્રમના પ્રારંભે સ્વાગત વિધિ સંપન્ન થયા પછી મુખ્ય વિશેષતારૂપ “માતૃભાષા ગૌરવ પુરસ્કાર સન્માન” ડૉ. રક્ષાબેન દવેને અર્પણ કરાયો. તેમજ સન્માન રાશિ ₹ ૫૧૦૦૦નો ચેક, સન્માન પત્ર અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરાયું હતું. તેમના પ્રતિભાવરૂપી પ્રવચનમાં તેમની માતૃભાષા પ્રત્યેની અનન્ય નિષ્ઠા પ્રગટ થઈ.

આ ઉપરાંત “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન” દ્વારા UPL અને પારૂલ યુનિવર્સિટી તેમજ નારાયણ વિદ્યાવિહાર શાળાના યોગદાન માટે આભાર વ્યક્ત કરાયો. અધ્યક્ષસ્થાનેથી ડૉ .ભાગ્યેશ જહાસાહેબે માતૃભાષાનું સુંદર અને વિદ્વત્તાપૂર્ણ ઉદ્બોધન કર્યું. તેમની વિદ્વત્તાપૂર્ણ પ્રતિભા સૌને સ્પર્શી ગઈ હતી. સવારે ૧૦ થી ૫ ના આખા દિવસના કાર્યક્રમ દરમિયાન ત્રણ વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યાસ ત્રણ સૂત્રોના આધારે કામ કરે છે.

Matribhasha Gaurav Pratishthan

અધિવેશન દરમિયાન ભાષાસજ્જતા વિષય ઉપર ડૉ. રક્ષાબહેનનું મનનીય ઉદ્બોધન થયું. જ્યારે ભાષાસંરક્ષણ વિષય પર ડૉ. ઉષાબહેન ઉપાઘ્યાયે સરસ વિચારો પ્રસ્તુત કર્યા અને માર્ગદર્શન આપ્યું. ઉપરાંત ભાષાસંવર્ધન વિષય પર રાજેન્દ્રભાઈ પટેલે પોતાના પ્રદીર્ઘ અનુભવોના આધારે સૌને માહિતગાર કર્યા હતા.

મહત્ત્વની વાત એ રહી કે ત્રણેય મુદ્દા પર લગભગ ત્રીસેક વ્યક્તિઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ખૂબ સારી સહભાગિતા રહી. સાંજે ૪ થી ૫.૪૫ દરમિયાન સમાપન સત્ર થયું, જેમાં ડૉ. દીપકભાઈ પંડ્યા, શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા રાઓલ, હર્ષદભાઈ શાહ અને ડૉ ભાગ્યેશભાઈએ આ કાર્યના વિકાસ અને વિસ્તાર સંબંધી મહત્ત્વની ભૂમિકા મૂકી. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા માટે ડૉ. મહેશભાઈ ઠાકરનું અને સંચાલન કરવા માટે ડૉ. અશ્વિનભાઈ આણદાણીનું અભિવાદન કરવામાં આવ્યું. છેલ્લે ન્યાસના મંત્રી શ્રી લાભશંકર જોશીએ આભારદર્શન કર્યું અને વંદે માતરમ્ ગીત સાથે કાર્યક્રમ સંપન્ન થયો. (અહેવાલ શ્રીમતી હેતલબહેન પટેલ દ્વારા)

Matribhasha Gaurav Pratishthan
Exit mobile version