Site icon Revoi.in

કોરોના સામેની લડાઈમાં બીજી મોટી સફળતા,નોઝલ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે DCGIની મંજૂરી

Social Share

દિલ્હી:કોરોના મહામારી સામે ભારતને વધુ એક સફળતા મળી છે.ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ મંગળવારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પ્રતિબંધિત કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેકની ઇન્ટ્રાનેસલ કોવિડ વેક્સિનને મંજૂરી આપી દીધી છે.આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આ માહિતી આપી હતી.કોવિડ-19 વાયરસ માટે આ ભારતની પ્રથમ નાકની રસી હશે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે એક ટ્વિટમાં લખ્યું કે, ‘કોવિડ-19 સામે ભારતની લડાઈને મોટું પ્રોત્સાહન! ભારત બાયોટેકની ઇન્ટ્રાનેસલ કોવિડ રસી, જે નાક દ્વારા આપવામાં આવે છે, તેને DCGI ની મંજૂરી મળી છે. તેમણે કહ્યું કે આ દવા ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કટોકટીની સ્થિતિમાં આપી શકાય છે. તેમણે કહ્યું કે આ પગલું મહામારી સામે “આપણી સામૂહિક લડાઈ” ને વધુ મજબૂત કરશે.

તેમણે કહ્યું કે,ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ-19 સામેની લડાઈમાં તેના વિજ્ઞાન, સંશોધન અને વિકાસ (R&D) અને માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો છે. માંડવિયાએ કહ્યું કે, વિજ્ઞાન આધારિત અભિગમ અને દરેકના પ્રયત્નોથી આપણે COVID-19 ને હરાવીશું. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે હૈદરાબાદ સ્થિત ફર્મે લગભગ 4,000 સ્વયંસેવકો સાથે નાકની રસીની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી છે અને હજુ સુધી કોઈ આડઅસર અથવા પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ નોંધવામાં આવી નથી.

 

Exit mobile version