Site icon Revoi.in

કાશ્મીરમાં હિન્દુઓ ઉપર અત્યાચારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Social Share

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990માં પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ રીલીઝ થયા બાદ યુવાનો અને દેશની જનતા વર્ષ 1990માં કાશ્મીરમાં શું થયું હતું અને કોને-કોને પંડિતો ઉપર અત્યાચાર ગુજાર્યો તે વિવિધ માધ્યમો મારફતે જાણવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન સોશિયલ મીડિયામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર અને કેટલાક આતંકવાદીઓના વીડિયો અને ફોટોગ્રાફ પણ વાયરલ થઈ રહ્યાં છે. દરમિયાન સોશિયલ મીડિયામાં કાશ્મીર હિન્દુઓ ઉપર થયેલા અત્યાચારને લઈને વધુ એક વીડિયો વાયરલ થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક હિન્દુઓની સામુહિક અંતિમવિધી કરવામાં આવી રહી છે તેમજ કેટલીક મહિલાઓ સતત રડી રહી છે. એટલું જ નહીં અંતિમવિધી દરમિયાન કેટલાક લોકો ભજન ગાઈ રહ્યાં છે. આ વીડિયો 23મી માર્ચ 2003નો હોવાનું મનાઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના નાડીમર્ગમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ એક-બે નહીં પરંતુ 24 હિન્દુ કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી અને આ વીડિયો તે કાશ્મીરી પંડિતોની અંતિમવિધીનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વર્ષ 1990માં કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતો ઉપર અત્યાચાર ગુજારવાનો શરૂ થયા બાદ નરસંહારનો સિલસિલો લગભગ 13 વર્ષ સુધી ખતમ નહીં થયાનું મનાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1990માં કાશ્મીરી પંડિતો ઉપર અત્યાચાર ગુજારવામાં આવતા લાખો કાશ્મીરી હિન્દુઓ પોતાનું ઘર અને વ્યવસાય છોડીને જીવ બચાવવા પરિવાર સાથે હિજરત કરી હતી. કાશ્મીરી હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજાનારા કટ્ટરપંથીઓને પાકિસ્તાને મદદ કરી હતી. યાસીમ મલિક સહિતના અલગાવવાદી નેતાઓ હાલ ટેરરીસ્ટ ફંડીંગ સહિતના કેસનો સામનો કરી રહ્યાં છે.