નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કેટલાક કટ્ટરપંથીઓએ જમ્મુના સિદ્દારા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં ભગવાનની મૂર્તિઓની તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. જેથી હિન્દુઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ આરંભી છે.
જમ્મુના સિદ્દારા વિસ્તારમાં બનેલા લક્ષ્મી નરસિંહ મંદિરની પાંચ મૂર્તિઓની કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હતી. સવારે ત્યાં પહોંચેલા પૂજારીએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. મૂર્તિઓ તોડનારા અસામાજીક તત્વોએ અગાઉ મંદિરમાં જ બનેલા એક રૂમનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ ન થતાં તેમણે મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી નાખી હતી. મંદિરમાં કુલ આઠ મૂર્તિઓ સ્થાપિત છે. જે પૈકી પાંચ મૂર્તિઓને ખંડીત કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ મંદિરમાં તોડફોડ કરનારા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી.