Site icon Revoi.in

અમદાવાદના શહેરના વિકસિત વિસ્તારોમાં પાણીની સમસ્યા દુર કરવા રૂ.168 કરોડ યોજનાને મંજુરી

Social Share

ગાંધીનગર : મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં પીવાના પાણી વિતરણ માટે  168.73 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત  ભૂપેન્દ્ર પટેલે અનુમતી આપી છે. જેમાં જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં પમ્પ હાઉસ સાથે નવો 200 એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ માટે અંદાજે રૂ. 85.64 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જાસપૂર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી એસ.પી રિંગરોડ-વૈષ્ણોદેવી સર્કલ સુધી 2500 મી.મી. વ્યાસની એમ.એસ પાઇપ લાઇન નાંખવાના રૂ. 83.09  કરોડના કામો હાથ ધરાશે. જ્યારે  ઉત્તર પશ્ચિમ ઝોન-દક્ષિણ પશ્ચિમ ઝોન-ચાંદખેડા-મોટેરા -સાબરમતી વિસ્તારોને જાસપૂરના હયાત 400 એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણી અપાય છે. હવે જાસપૂર પ્લાન્ટના કમાન્ડ વિસ્તારના બોપલ-ઘુમા નગરપાલિકા સહિતના નવા સમાવિષ્ટ વિસ્તારોને પણ પાણી આપવાનું મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બહુઆયામી આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરની વધતી જતી વસતી સાથે શહેરનો વિસ્તાર પણ વધતો જાય છે. નલ સે જળ યોજના અંતરર્ગત તમામ લોકોને પીવાનું પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.આગામી 2045 ની અંદાજિત વસ્તીને આશરે  10,227 એમ.એલ.ડી પાણી જરૂરિયાતને ધ્યાને રાખી મ્યુનિએ કરેલા સૂચિત આયોજનને મુખ્યમંત્રીએ આપી મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરને પીવાના પાણીના વિતરણના કામો માટે  168,73 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનએ નલ સે જલ કાર્યક્રમને અનુલક્ષીને પીવાના પાણીના વિતરણ કામો માટે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં ઓગમેન્ટેશન કરીને નવા કામો હાથ ધરવાનું આયોજન કર્યુ છે. મુખ્યમંત્રી સમક્ષ આ હેતુસર, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનએ  ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે દરખાસ્ત રજુ કરી હતી. તદ્દઅનુસાર, 200  મિલીયન લીટર પ્રતિદિન ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર પમ્પ હાઉસ સાથે બનાવવાની કામગીરી માટે અંદાજે  85.64  કરોડ રૂપિયાના કામો હાથ ધરાવાના છે. આ ઉપરાંત, જાસપૂર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સરદાર પટેલ રીંગરોડ-વૈષ્ણોદેવી સર્કલ સુધી 2500 મી.મી. વ્યાસની એમ.એસ. કલીયર વોટર પાઇપ લાઇન નાંખવાની કામગીરી પણ રૂ.  83.09  કરોડના અંદાજીત ખર્ચે થવાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમાન્ડ વિસ્તારમાં નવા બનતા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશન્સ તથા તાજેતરમાં કોર્પોરેશનમાં સમાવિષ્ટ બોપલ-ઘુમા વિસ્તારનો સમાવેશ થાય છે. બોપલમાં ઔડા દ્વારા પાણી પૂરવઠાનું માળખું વિકસીત કરવાની કામગીરી ચાલી રહી છે અને ઘુમા વિસ્તારમાં આ પ્રકારની કામગીરીનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખાતમૂર્હત કરેલું છે. આ નવા સમાવિષ્ટ વિસ્તારોની પાણીની જરૂરિયાત ધ્યાને લઇને સમગ્ર જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી કમાન્ડ વિસ્તારમાં ભવિષ્યમાં પાણી પુરૂં પાડવાનું અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું આયોજન છે. જાસપૂર ખાતેના હાલ કાર્યરત 400 એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્વિમ ઝોન તેમજ પશ્ચિમ ઝોનના ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશનમાં પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. આ વિસ્તારો ઉપરાંત, બોપલ-ઘૂમા નગરપાલિકા અને મણિપૂર-ગોધાવી વિસ્તાર તથા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સિવાયના આર.એ.એચ વિસ્તાર સહિતની હાલની વસ્તીને બેઝ ઇયર ગણી આગામી 2045ની અંદાજીત વસ્તીની આશરે 10,227  એમ.એલ.ડી પાણી જરૂરિયાત ધ્યાનમાં રાખીને આ સમગ્ર આયોજન મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી સમક્ષ મહાનગરપાલિકાની આ સંદર્ભની જે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તેમાં જણાવાયું હતું કે, અમદાવાદ મહાનગરની પશ્ચિમ વિસ્તારની ભવિષ્યની પાણીની જરૂરિયાત ધ્યાને રાખી 200 એમ.એલ.ડી ક્ષમતાનો વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવવા અને આ પ્લાન્ટ ખાતેથી વૈષ્ણોદેવી સર્કલ સુધી ભવિષ્યની પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઇ નવી ટ્રંક મેઇન લાઇન નાંખવી આવશ્યક છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ બધી જ બાબતોની મહત્વતા જોતાં અને અમદાવાદ મહાનગરના આ વિસ્તારના નાગરિકોને પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત્ત જનહિત અભિગમથી આ યોજનાના કામો માટે 168,73  કરોડ રૂપિયા સૈદ્ધાંતિક રીતે મંજૂર કર્યા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની આ સૂચિત યોજના અંતર્ગત જે કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે હાથ ધરાશે, તેના મુખ્ય ઘટકોમાં એમ.એસ. પાઇપ લાઇન, 200 એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન, કનેક્ટીંગ લાઇન, જાસપૂર વોટર વર્કસથી કે.ડી. હોસ્પિટલ, એસ.પી.રિંગ રોડ સુધી 2500 મી.મી ડાયા એમ.એસ પાઇપ લાઇન,3000 મી.મી. ડાયા એમ.એસ પાઇપ પુશિંગના કામો વગેરેનો સમાવેશ થાય છે.