Site icon Revoi.in

ED ની નોટિસ મામલે અરવિંદ કેજરિવાલે ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર હાજર થયા ન હતા. દરમિયાન સીએમ કેજરીવાલે આ સમન્સને ગેરકાનૂની અને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલામાં બે વર્ષથી તપાસ ચાલી રહી છે પરંતુ તપાસમાં તેમને કંઈ મળ્યું નથી. સીએમ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, તે લોકસભા ચૂંટણી પહેલા મારી ધરપકડ કરીને ચૂંટણી પ્રચારમાંથી દૂર કરવા માંગે છે.

સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે, “ઇડીએ મને ચોથી નોટિસ મોકલી છે જેમાં તેઓએ કહ્યું છે કે તમે 18 કે 19 જાન્યુઆરીની વચ્ચે કોઈપણ તારીખે આવજો.” આ ચાર નોટિસ મોકલવામાં આવી છે, તે કાયદાની નજરમાં ગેરકાયદેસર છે. જ્યારે પણ ED દ્વારા આવી નોન- સ્પેસિફિક નોટિસ મોકલવામાં આવી છે, ત્યારે કોર્ટે તેને ફગાવી દીધી છે. તેમને ગેરકાયદે અને ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યા છે. મેં EDને પત્ર લખ્યો છે પરંતુ EDએ કોઈ જવાબ આપ્યો નથી.

ષડયંત્રનો આરોપ લગાવતા સીએમ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે,  “ઇડી રાજકીય ષડયંત્રના ભાગરૂપે નોટિસ મોકલી રહી છે.” આ તપાસ બે વર્ષથી ચાલી રહી છે. બે વર્ષમાં તેમને કંઈ મળ્યું નથી, ઘણી અદાલતોએ તેમને પૂછ્યું કે, કેટલા રૂપિયા મળ્યા, કોઈ સોનું મળ્યું, ક્યાંક જમીન મળી, કેટલી રકમ મળી.કોઈ રોકડ મળી?  અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં અગાઉ આમ આદમી પાર્ટીના સિનિયર નેતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ સમગ્ર કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.