Site icon Revoi.in

અરવિંદ કેજરિવાલને મળી મોટી રાહત, મુખ્યમંત્રી પદ ઉપરથી હટાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીમાં લીકર પોલીસ કેસમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેઓ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ સંકટની સ્થિતિ હોય તો રાષ્ટ્રપતિ અથવા એલજી નિર્ણય લેશે, કોર્ટ તેમાં દખલ નહીં કરે. આ સિવાય, ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે. દિલ્હી હાઈકોર્ટે બુધવારે અરજી પર સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સૌથી પહેલા પોતાનો પક્ષ રજૂ કર્યો. ત્યારબાદ લંચ બાદ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ ED વતી કોર્ટમાં દલીલો કરી. કેજરીવાલના વકીલ સિંઘવીએ હાઈકોર્ટમાં કહ્યું કે સામાન્ય ચૂંટણી આવી ગઈ છે, તેથી કેજરીવાલની આવા સમયે ધરપકડ કરવામાં આવી છે, જેથી તેઓ ચૂંટણી પ્રચાર કે પ્રચારનો ભાગ ન બની શકે. કેજરીવાલના વકીલે કહ્યું,કોર્ટે એ જોવું પડશે કે ચૂંટણીમાં તમામ પક્ષોને સમાન તક મળે. પ્રથમ સમન્સ નવેમ્બરમાં આપવામાં આવ્યું હતું અને માર્ચમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ED પાસે PMLA હેઠળ ધરપકડની વોરંટ આપવા માટે કોઈ પુરાવા નથી. બીજી તરફ, EDએ આનો વિરોધ કર્યો હતો.

કથિત દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે તિહાર જેલમાં બંધ છે. 1 એપ્રિલે કોર્ટે તેને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી દીધા હતા. ભાજપ સતત કેજરીવાલના રાજીનામાની માંગ કરી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલ મુખ્યમંત્રી રહેશે અને જેલમાંથી જ સરકાર ચલાવશે.