Site icon Revoi.in

પાકિસ્તાનની જેલમાંથી એક મહિનામાં ગુજરાતના ૩૫૫ જેટલા માછીમારોને મુક્તિ મળી

Social Share

અમદાવાદઃ ગુજરાતના માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરતા સમયે કેટલીક વાર દિશાભ્રમ થઇ જતા પાકિસ્તાનની સરહદ ઓળંગી જાય છે ત્યારે પાકિસ્તાનના સુરક્ષા દળો દ્વારા તેમનું અપહરણ કરી કેદ કરવામાં આવે છે. આવા નિર્દોષ માછીમારોને પોતાના વતન પરત લાવવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે જ છેલ્લા એક મહિનાના સમયગાળામાં પાકિસ્તાનની જેલમાંથી બે તબક્કામાં કુલ 398 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. જે પૈકી ગુજરાતના 355 માછીમારોની વર્ષો બાદ વતનવાપસી થઇ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા ભારત સરકાર સમક્ષ સતત કરાયેલી રજૂઆતોના પરિણામે આ સાગરખેડૂઓના પરિવારોમાં આનંદની લાગણી છવાઇ છે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના માછીમારોના સર્વાગી વિકાસ અને સુરક્ષા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, અને હરહંમેશ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી પાકિસ્તાનની કેદમાં રહેલા ગુજરાતના 171 માછીમારો સહિત દેશના કુલ 200 માછીમારોને ગત 2 જૂન, 2023ના રોજ મુક્ત કરાયા હતા. તબીબી તપાસ અને વેરીફીકેશન બાદ ગુજરાતના આ માછીમારો ટ્રેન મારફત વડોદરા આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બસ મારફત તેઓને સુરક્ષિત રીતે પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. વર્ષોબાદ વતનવાપસી થતા તેમના પરિવારમાં પણ આનંદ છવાયો હતો.