Site icon Revoi.in

ગુજરાતના જળાશયોમાં 54 ટકા જેટલો પાણીનો જળસંગ્રહ થયો, 33 ડેમ છલકાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદને પગલે જળાશયોમાં પણ સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન રાજ્યમાં લગભગ 33 જેટલા જળાશયો છલકાયાં છે. તેમજ રાજ્યમાં 207 જેટલા જળાશયોમાં હાલ લગભગ 54 ટકા જેટલા પાણીનો સગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 64 ટકાથી વધારે ભરાયો છે. હજુ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે એટલે પાણીના સંગ્રહમાં પણ વધારો થશે.

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદને પરિણામે રાજ્યમાં કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 53.96% પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના 33 જળાશયો 100% એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે. જ્યારે 49 જળાશયોમાં 70%થી વધુ તેમજ 80 જળાશયોમાં 25થી70% સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 64.40% જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે, તેમ સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ-ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

અહેવાલમાં જણાવ્યાનુસાર, રાજ્યમાં 100% એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદ જિલ્લાના ઉમરીયા, ગીર સોમનાથના મચ્છુન્દ્રિ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-1 અને રૂપારેલ, જૂનાગઢના ઝાનજેશ્રી,  ઉબેન, હસનપુર, હિરણ-1, મોટા ગુજેરીયા, મધુવંતી, રાજકોટના વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરના મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયોનો સમાવેશ થાય છે.

આ સિવાય હાલમાં ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયમાં 61.18%, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 36.51%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 42.26%, કચ્છના ૨૦ જળાશયમાં 63.61% તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયમાં 63.85% પાણીનો જથ્થો સંગ્રહાયો છે, તેમ ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં જણાવાયું છે.