Site icon Revoi.in

અસદુદ્દીન ઓવૈસી સોમવારે અમદાવાદ આવશે, અતિક અહેમદને સાબરમતી જેલમાં મળવા જશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. પણ ગુજરાત કરતા ઉત્તર પ્રદેશની ચૂંટણી વહેલી યોજાવાની છે. ત્યારે ઉત્તર પ્રદેશના બાહુબલી મનાતા અને હત્યાના આરોપી એવા અતિક અહેમદને મળવા માટે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ આવી રહ્યા છે. આરોપી અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ઓવૈસી ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને અતિકને મળવા આવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના થયા બાદ હવે ગુજરાતમાં અલગ અલગ રાજકીય પાર્ટી પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે. આ સમયે હવે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી આગામી તા. 20મીએ ગુજરાત આવી રહ્યા છે.  એવું કહેવાય છે કે,  અમદાવાદ સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના પૂર્વ બાહુબલી સાંસદ અને 103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને ઓવૈસી મળવા માટે આવી રહ્યા છે. ત્યારબાદ અમદાવાદના ટાગોર હોલમાં ઓવૈસી કેયલાક લોકો સાથે મુલાકાત કરશે. આ અગે અમદાવાદ AIMIMના સબીર કબલીવાળાએ જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ આવશે, જેમનો શિડ્યુલ તૈયાર થઈ ગયો છે. અને તેઓ જેલમાં અતિક અહેમદને મળવા જશે.

ગુજરાતમાં AIMIMના નેતા ઓવૈસી 20મી સવારે અમદાવાદ આવશે. 2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં બપોરે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, બરેલીથી પ્રયાગરાજની સેન્ટ્રલ જેલમાં ખસેડાયેલા માફિયામાંથી નેતા બનેલા અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 3 જૂને 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. તેના પર અપહરણ, ધમકી આપવી, ઉચાપત સહિતના અનેક કેસ છે.