Site icon Revoi.in

અષાઢ પુરો થવા આવ્યો પણ મેઘો વરસતો નથીઃ એક સપ્તાહ સુધી ભારે વરસાદ નહીં પડે

Social Share

અમદાવાદઃ શ્રાવણ મહિનાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.આકાશમાં વદળો ગોરંભાય છે, પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. આજે સોમવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ગુજરાતમાં અત્યારસુધી 12 ઈંચ સાથે મોસમનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 2 ઓગસ્ટ સુધી 14 ઈંચ સાથે મોસમનો 43 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ વરસાદ હજુ સાત ટકા ઓછો છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. 2012માં સરેરાશ 5 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે સરેરાશ 7 ઇંચ થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાંથી અત્યારસુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.86 ટકા, ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ સાથે મોસમનો 30.98 ટકા , પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.93 ટકા, સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.55  ટકા અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સાથે મોસમનો સરેરાશ 39.46 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલ બે જ તાલુકા એવા છે જ્યાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં જૂનમાં સરેરાશ કુલ 4.73 ઈંચ, જુલાઇમાં 6.95 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે જૂનમાં 4.83 ઈંચ અને જુલાઇમાં 9 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધી 35.84 ટકા વરસાદ થયો છે. ગત વર્ષે 2 ઑગસ્ટ સુધી રાજ્યમાં 42.90 ટકા  વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 7.24 ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 36 ટકાની ઘટ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. ગાંધીનગરમાં 57 ટકા, અરવલ્લીમાં 54 ટકા સુરેન્દ્રનગરમાં 52 ટકા તાપીમાં સરેરાશથી 49 ટકા, દાહોદમાં 48 ટકા વરસાદની ઘટ છે. 11 જિલ્લાઓમાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. 2012માં સરેરાશ 5 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે સરેરાશ 7 ઇંચ થયો છે.

ગુજરાતનાં 207 જળાશયોમાંથી માત્ર 4 જળાશય 100 ટકા ભરેલાં છે. હાલમાં કુલ જળસંગ્રહ 47.26 ટકા છે. સરદાર સરોવર ડેમમાં 46.52 ટકા છે. ઉત્તર ગુજરાતમાં 24.50 ટકા, મધ્યમાં 42.90 ટકા, દક્ષિણમાં 57.08 ટકા, કચ્છમાં 23.82 ટકા, સૌરાષ્ટ્રમાં 41.07ટકા પાણીનો સંગ્રહ છે. 25 ડેમોમાં જ 70 ટકાથી વધુ પાણી છે. 94 જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ, આવતા 7 દિવસમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.