Site icon Revoi.in

પાકિસ્તાનમાં અસ્થિરતાને પગલે એશિયા કપ ન્યૂટ્રલ સ્થળ પર રમાવવો જોઈએઃ પાક.ના પૂર્વ ક્રિકેટરનો મત

Social Share

નવી દિલ્હીઃ એશિયા કપ 2023ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ લેગ સ્પિનરનું કહેવું છે કે રાજકીય બાબતોના કારણે પાકિસ્તાનમાં આ સમયે સ્થિતિ સારી નથી, જેના કારણે એશિયા કપ 2023નું આયોજન તટસ્થ સ્થળે થવું જોઈએ.

સુત્રોના જણાવ્યા અનુસાર આ વખતે એશિયા કપની યજમાની પાકિસ્તાને કરી છે. ગયા વર્ષે જ ભારતે બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજકીય મુદ્દાઓને કારણે આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. જે બાદ PCBએ ભારતમાં યોજાનાર 2023 વર્લ્ડ કપમાં ભાગ નહીં લેવાની ધમકી પણ આપી હતી. જો કે પીસીબીનું વલણ હવે નરમ પડ્યું છે અને એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલ ઓફર કર્યું છે, તેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી દાનિશ કનેરિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂંકા ગાળાની નહીં પરંતુ લાંબા ગાળાની યોજના વિશે વિચારવું જોઈએ અને ભારત સાથે સંબંધો સુધારવા જોઈએ. પાકિસ્તાન પાસે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પણ છે.

દાનિશ કનેરિયાએ કહ્યું હતું કે, ‘હવે મામલો વધુ ગરમાયો છે, તેથી તમારે શાંત રહીને અને સંજોગોને સમજીને નિર્ણય લેવાની જરૂર છે. તમે પાકિસ્તાનની હાલત જોઈ રહ્યા છો. અહીં રાજકીય મુદ્દાઓ ચાલી રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે તાજેતરના ભૂતકાળમાં ઘણી વિદેશી ટીમોએ પાકિસ્તાનની મુલાકાત લીધી છે, પરંતુ પાકિસ્તાનની સ્થિતિ અત્યારે અનિશ્ચિતતાઓથી ભરેલી છે. રાજકીય મુદ્દાઓને કારણે અહીં ગમે ત્યારે કંઈ પણ થાય છે અને ચૂંટણીનો સમય પણ નજીક છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના વિશે વિચારવું જોઈએ કે, આપણે એકમાત્ર યજમાન છીએ અને એક દેશની પસંદગી કરીને ભારત સહિત એશિયા કપનું સફળતાપૂર્વક આયોજન એક જગ્યાએ કરવું જોઈએ.

તેમણે આગળ કહ્યું હતું કે, હાઇબ્રિડ મોડલ અપનાવે અથવા એશિયા કપ તટસ્થ સ્થળે યોજાય. બીજી તરફ જ્યારે પાકિસ્તાન વર્લ્ડકપ રમવા ભારત જાય ત્યારે તેની સાથે સારા રાજદ્વારીને લઈ જાય અને જય શાહ સહિત રોજર બિન્ની સાથે સારા સંબંધો બનાવે. પાકિસ્તાને ભારત સાથે સંબંધો સુધારવા જોઈએ કારણ કે ભવિષ્યમાં આપણે ચેમ્પિયન્સ ટ્રોફીની પણ યજમાની કરવાની છે. પીસીબીએ ટૂંકા ગાળાનો નહીં પરંતુ લાંબા ગાળાનું વિચાર કરવુ જોઈએ. પીસીબીએ વિચારવું જોઈએ કે ભવિષ્યમાં આપણે ભારતને પાકિસ્તાન લાવવું જોઈએ, ત્યાં સુધી દેશની સ્થિતિ પણ સ્થિર રહેશે.