Site icon Revoi.in

વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી રાજસ્થાનની મુલાકાતે

Social Share

જયપુરઃ રાજસ્થાનમાં આગામી દિવસોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દરમિયાન ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીની ટીમ રાજસ્થાન પહોંચી છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન ચૂંટણીપંચની ટીમ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપશે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવાની સાથે વધારેમાં વધારે મતદાન થાય તેવુ આયોજન ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવશે.

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ઉચ્ચ કક્ષાની ટીમ જયપુરના પ્રવાસે આવી છે. આ ટીમ ત્રણ દિવસ સુધી રાજ્યમાં ચૂંટણી તૈયારીની સમીક્ષા કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર, ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે અને અરૂણ ગોયલ સહિતના અધિકારીઓ 1 ઓક્ટોબર સુધી જયપુરમાં રહેશે.

ચૂંટણી પંચની ટીમ માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજશે. તે પછી પંચ રાજ્ય પોલીસ, આવકવેરા વિભાગ, પરિવહન , વાણિજ્ય કર સહિતના વિભાગના નોડલ અધિકારીઓ સાથે વિસ્તારપુર્વક ચર્ચા કરશે. આવતી કાલે  રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી , રાજ્ય પોલીસ તેમ જ  કેન્દ્રીય પોલીસ દ્વારા ટીમ સમક્ષ ચૂંટણી પંચ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ થશે.

જિલ્લા ચૂંટણી અધિકારીઓ, પોલીસ મહાનિરીક્ષકો, જિલ્લા પોલીસ અધિક્ષકો અને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક કરીને ટીમ ચૂંટણી તૈયારીની સમીક્ષા કરશે. રાજસ્થાન મુલાકાતના અંતિમ દિવસે 1લી ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથેની બેઠકમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે.