Site icon Revoi.in

દેશમાં કોરોનાની રસીકરણમાં 90 લાખ ખાનગી સિક્યુરિટી ગાર્ડની લેવાશે મદદ

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે હાલ કોરોનાની રસીની અંતિમ ટ્રાયલ ચાલી રહી છે અને આગામી દિવસોમાં કોરોનાની રસી પણ ઉપલબ્ધ થઈ જશે. બીજી તરફ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રસીકરણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રસીકરણની પ્રક્રિયામાં 90 લાખ ખાનગી સિક્યોરિટી ગાર્ડની મદદ લેવાશે. એટલું જ નહીં સિક્યુરિટી ગાર્ડને સૌ પ્રથમ કોરોનાની રસી મળી શકે એ માટે તેમનો ફ્રન્ટલાઇન વોરિયર્સની યાદીમાં કરવા માટે ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય મંત્રાલયને ભલામણ કરવામાં આવશે.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે દેશના 130 કરોડ નાગરિકને કોરોનાની રસી આપવી એ સરકાર, પોલીસ અથવા અન્ય અધિકારીઓ માટે કપરું કામ છે અને આ કામમાં ખાનગી સિક્યોરિટી ગાર્ડ બહું મહત્ત્વનો ભાગ ભજવશે. દરેક ઘર સુધી રસી પહોંચે એ કામ ફક્ત ખાનગી સિક્યોરિટી ગાર્ડ જ કરી શકે એમ છે. દેશમાં અંદાજે 90 લાખ જેટલા ખાનગી સિક્યોરિટી ગાર્ડ છે. ખાનગી સિક્યોરિટી ગાર્ડ દરેક સોસાયટી, હોસ્પિટલો, બેન્કો, બજારો, સંસ્થાઓ સહિત બધે જ હાજર છે અને એમણે કોરોનાકાળ દરમિયાન ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પણ સેવા આપી છે. સૌ પ્રથમ કોરોનાની રસી મળી શકે એ માટે ખાનગી સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ ફ્રન્ટલાઇન વોરિયર્સની યાદીમાં કરવા માટે ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય મંત્રાલયને ભલામણ કરશે.