Site icon Revoi.in

ગુજરાતમાં અતિવૃષ્ટિમાં નુકશાન થયું હશે એવા પરિવારોને સહાય ચુકવાશે, મૃતકના પરિવારોને 4 લાખ

Social Share

ગાંધીનગર:  ગુજરાતમાં ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારમાં ભારે નુકશાની થઈ હતી. અને ઘણા લોકોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. ત્યારે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા ભારે વરસાદથી થયેલી નુકસાનીમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માનવ મૃત્યુના કિસ્સામાં 4 લાખની સહાય અપાશે. જ્યારે મકાન તૂટવાના કિસ્સામાં પણ સહાયની જાહેરાત કરાઈ છે. જેમાં સમથળ વિસ્તારમાં મકાન તૂટ્યું હોય તો 95,100 અને પર્વતિય વિસ્તારમાં મકાન તૂટ્યું હોય તો 1,01,900 સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જ્યારે ઝૂંપડું તૂટ્યું હોય તો 4,100 સહાય આપવામાં આવશે.  એ જ રીતે દુધાળા પશુના મોતના કિસ્સામાં 30 હજારની સહાય અપાશે. તેમાં પણ ઘેટા અને બકરાના મોતના કિસ્સામાં 3 હજાર સહાય, જ્યારે બળદ, ઊંટ અને ઘોડાના મૃત્યુના કેસમાં 25 હજાર સહાય આપવામાં આવશે. ગાયની વાછરડી અને ગધેડાના મૃત્યુ પર 16 હજાર સહાય આપવાનો નિર્ણય કરાયો છે. મરઘા પશુ સહાય 50 રૂપિયા પ્રતિ પક્ષી અને વધુમાં વધુ 5 હજાર રૂપિયાની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય કરાયો છે.

રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ 31 માનવ મૃત્યુ થયા છે. સ્થળાંતર થયેલા વ્યક્તિઓ 23945 ઘરે પહોંચી ગયા છે. જ્યારે આશ્રયસ્થાનમાં 7090 લોકો છે. ભારેથી વરસાદથી રાજ્યમાં 810  ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. હવે  વીજ પુરવઠો પૂર્વવત કરવામાં માત્ર 36 ગામો જ બાકી છે. અકુદરતી મૃત્યું, વીજળી પડવાથી કે અન્ય રીતે મોત થયું હશે તેમને પણ સહાય અપાશે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક એસટી રૂટ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ એસટીબસના  રૂટ્સ મોટા ભાગના શરૂ થઈ ગયા છે. કેશડોલ માટે વરસાદ જ્યાં બંધ થયો છે ત્યાં ઝડપથી સર્વે ચાલુ કરવાની સૂચના આપી છે. પર્વતીય વિસ્તારમાં ઘર પડી ગયા હોય તેમને 1 લાખ 1 હજાર જેટલી સહાય મળશે. જ્યારે ઝુંપડા માટે 4100 સહાય આપવામાં આવશે.