Site icon Revoi.in

ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષ બીએસસીમાં પ્રવેશના અંતે 9000 બેઠકો ખાલી રહી

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએેસસીની પ્રવેશ કાર્યવાહીમાં ચાર રાઉન્ડના અંતે 9 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે. પ્રથમ વર્ષ બીએસસીની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત આશરે 14 હજાર બેઠકોમાંથી 4500થી વધુ બેઠકો ભરાઈ છે, જ્યારે બાકીની બેઠકો ખાલી રહી છે. આમ ધો. 12 સાયન્સમાં માસ પ્રમોશન અપાયા બાદ પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હોવા થતાં બીએસસીની બેઠકો ખાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓને માટે માસ પ્રમોશન અપાયા બાદ એ ગ્રૂપ અને બી ગ્રૂપના વિદ્યાર્થીઓનો એન્જિનિયરિંગ અને મેડિકલ, ડેન્ટલ કોર્સમાં પ્રવેશ માટેનો ટેન્ડ્ર જોવા મળી રહ્યો હોવાથી આ વર્ષે બીએસસીની કુલ કોલેજોની બેઠકોમાંથી નોંધપાત્ર બેઠકો ખાલી રહી છે. જે કોલેજો ખાલી રહી છે તે સેલ્ફ ફાઈનાન્સ બીએસસી કોલેજોની રહી છે.

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએસસીની એડમિશન કમિટી તરફથી શૈક્ષણિક વર્ષ 2021-2022ના વર્ષ માટેની અમદાવાદ, ગાંધીનગર વિસ્તારની 37 કોલેજોની 14 હજાર બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ત્રણ ઓનલાઈન અને કોલેજ કક્ષાની ત્રણ ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી થઈ હતી. તે પછીથી આશરે 4500 બેઠકો ભરાઈ ગઈ છે, જ્યારે 9 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે.

ગુજરાત યુનિ.ના પ્રવેશ સાથે સંકળાયેલા એક પ્રોફેસરે જણાવ્યું હતું કે,  કોરોનાના કારણે ચાલુ વર્ષે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત આ વર્ષે એ ગ્રૂપ અને બી ગ્રૂપના મોટા ભાગના વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ, મેડિકલ, ડેન્ટલ શાખાની બેઠકો પર પ્રવેશ માટેનો રસ દાખવ્યો છે, જેના કારણે સ્વાભાવિક રીતે ગત વર્ષની તુલનાએ બીએસસીની ખાલી રહેનારી બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.