Site icon Revoi.in

રાજ્યમાં 25 જિલ્લામાં એટ્રોસિટી કોર્ટ શરૂ થશે, અમદાવાદ સહિત પાંચ શહેરોમાં નવી એનડીપીએસ કોર્ટ શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ પીડિતોને ઝડપથી ન્યાય મળી રહે તે માટે નવી કોર્ટ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી દિવસોમાં 25 જિલ્લામાં નવી એટ્રોસિટી કોર્ટ શરૂ કરવામાં આવશે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા ડીજીટલ ઇન્‍ડીયા બાદ હવે અદાલતોમાં પણ કમ્‍પ્‍યુટર અને ડીઝીટીલાઇઝન ઉપર જોર મુકવામાં આવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચાલતી ડબલ એન્‍જીન સરકારના કારણે 2023-24ના બજેટમાં લોકોને સરળતાથી ન્‍યાય મળે તે માટે 2014 કરોડની ન્‍યાયીક ક્ષેત્રે ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ, કચ્છ, સુરત, વડોદરા અને બનાસકાંઠામાં પાંચ જેટલી એનડીપીએસ કોર્ટ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના લગભગ 25 જિલ્લામાં નવી એટ્રોસિટી કોર્ટ શરૂ કરાશે. તેમજ 15 નવી પોકસો કોર્ટ પણ શરૂ કરાશે. આવી જ રીતે ચેક બાઉન્‍સને લગતા કેસોના નિકાલ માટે 25 એકસ્‍લુઝીવ કોર્ટો શરૂ થશે. ચેક રિટર્નના કેસોમાં લોકોને ઝડપી ન્‍યાય મળે તે માટે અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા બે – બે કોર્ટો શરૂ થશે. એટલું જ નહીં રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં ત્રણ-ત્રણ નવી કોમર્શીયલ કોર્ટો પણ શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે, રાજ્યની વિવિધ અદાલતોમાં મોટી સંખ્યામાં કેસો પેન્ડીંગ છે. આ પેન્ડીંગ કેસોનો ઝડપથી નિકાલ આવે તે માટે કાયદા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગંભીર કેસમાં પીડિતને ન્યાય મળી રહે તે માટે ખાસ સરકારી વકીલની પણ નિમણુંક કરવામાં આવે છે.