- ઈરાનના પરમાણુ મથક ઉપર હુમલો થયાના અહેવાલ IAEA દ્વારા નકારવામાં આવ્યા
યુએન, 2 માર્ચ, 2026 – ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે હવે પરમાણુ વિકિરણ (Nuclear Radiation) નું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે, આ અંગે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ સ્પષ્ટતા કરી છે કે હાલ આવી કોઈ સ્થિતિ નથી. તેમણે કહ્યું કે, ઈરાનના પરમાણુ મથક ઉપર ઉમલો થયો હોવાના અહેવાલ નથી.
IAEA ઈરાનના નેતાઓનો સંપર્ક કરવામાં નિષ્ફળ
રાફેલ ગ્રોસીએ જણાવ્યું છે કે ઈરાનના પરમાણુ મથકો ઉપર જો આવો કોઈ હુમલો થશે તો આસપાસ રેડિયેશનનું સ્તર વધવાની આશંકા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે IAEA દ્વારા ઈરાની પરમાણુ નિયમનકારી સત્તાવાળાઓ (Nuclear Regulatory Authorities)નો સંપર્ક કરવાના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે. ઈરાન તરફથી કોઈ પ્રતિસાદ ન મળવાને કારણે વૈશ્વિક સ્તરે ડરનો માહોલ છે.
આ પણ વાંચોઃ US-ઈરાન યુદ્ધઃ અભિનેત્રી સોનલ ચૌહાણે હવે દુબઈને સલામત જગ્યા ગણાવી, કહ્યું સોરી
શહેરો ખાલી કરાવવા પડે તેવી સ્થિતિ
IAEA ના અહેવાલ મુજબ, જો સ્થિતિ વધુ બગડશે અથવા પરમાણુ મથકોને કોઈ નુકસાન પહોંચશે, તો ઈરાનના અનેક મોટાં શહેરોને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવા પડી શકે છે. રેડિયેશન લીક થવાના કિસ્સામાં લાખો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થઈ શકે છે.
ઈરાને તેના પરમાણુ મથકોના નિરીક્ષણ માટે આવતા આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો પર અગાઉથી જ નિયંત્રણો લાદેલા છે, અને હવે કટોકટીના સમયે પણ તેઓ કોઈ સત્તાવાર જવાબ આપી રહ્યા નથી. પશ્ચિમી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, કેટલાક વિસ્તારોમાં રેડિયેશનના સેન્સરે એલર્ટ આપવાનું શરૂ કર્યું છે, જોકે ઈરાને સત્તાવાર રીતે આ વાત સ્વીકારી નથી.
સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય દેશો ઈરાનને અપીલ કરી રહ્યા છે કે તે પરમાણુ સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરે અને IAEA ને નિરીક્ષણની મંજૂરી આપે.
શું અસર થઈ શકે?
જો પરમાણુ વિકિરણ ફેલાય છે, તો તેની અસર માત્ર ઈરાન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ પવનની દિશા મુજબ પડોશી દેશો અને ખાડીના વિસ્તારો (Gulf Region)માં પણ તેની ઘાતક અસરો જોવા મળી શકે છે.

