Site icon Revoi.in

વલસાડ નજીક રેલવે ટ્રેક પર પથ્થર મુકીને બ્રાન્દ્રા પેસેન્જર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ,

Social Share

વલસાડઃ શહેર નજીક રેલવે ટ્રેક પર મોટો પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાના પ્રયાસ કરાતા રેવલેના ઉચ્ચ અધિકારીઓ આરપીએફની ટીમ સાથે દોડી ગયા હતા. વલસાડમાં ત્રણ મહિનામાં આ બીજો બનાવ છે કે, જ્યારે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. વલસાડના ઉમરગામ રેલવે સ્ટેશન નજીક કોઈ તત્વો દ્વારા રેલવે ટ્રેક પર પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાંદ્રા-વાપી ટ્રેન પથ્થર સાથે ટકરાઈ હતી, જેને કારણે ટ્રેનના એન્જિનનું કેટલ ગાર્ડ તૂટી ગયું હતું. આ મામલે વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે, બીજી વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવતાં રેલવેના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે.
રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે,  બાંદ્રા-વાપી પેસેન્જર ટ્રેનના લોકો પાયલટ આર.સી.મીણાએ જાણ કરી હતી કે, અજાણ્યા શખ્સે ટ્રેનના પાટા પર પથ્થર મુકી દેતાં તે ટ્રેનના એન્જિન સાથે ટકરાયો હતો અને જેને કારણે એન્જિનનું કેટલ ગાર્ડ તૂટી જતાં નુકસાન થયું છે. જો કે, આ ઘટનામાં કોઈ પ્રવાસીને નુકસાન પહોંચ્યું નથી.
ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે આરપીએફમાં ફરજ બજાવતાં રાકેશકુમાર શર્માએ આ મામલે વાપી રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે, બાંદ્રા-વાપી પેસેન્જર ટ્રેનના એન્જિન સાથે ઉમરગામ રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ જતાં ટ્રેક પર પથ્થર ટકરાયો હતો. જેથી તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં જોયું તો ઉત્તર દિશાએ ડાઉન લાઈન ઉપર પશ્ચિમ તરફના પાટા ઉપર ઘસરકાના તાજા નિશાનો જોવા મળ્યા હતા. આ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ 336 તેમજ રેલવે અધિનિયમ 152 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જાન્યુઆરી મહિનામાં વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સો દ્વારા સિમેન્ટનો પોલ પાટા પર મુકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે કિલોમીટર નંબર 192ના પોલ ન. 18 અને 16 વચ્ચે મુકેલાં સિમેન્ટ પોલને છૂંદીને VIP ટ્રેન રાજધાની એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ ગઈ હતી.