Site icon Revoi.in

અયોધ્યાધામ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવાયું

Social Share

અયોધ્યાઃ જાન્યુઆરીમાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં દેશની જનતાને નવા રેલવે સ્ટેશનની ભેટ આપી હતી. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન કેટલીક આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન કોઈ એરપોર્ટથી ઓછુ નથી. આ રેલવે સ્ટેશનને ત્રણ તબક્કામાં વિકસિત કરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે.

રેલવે સ્ટેશનના પુનઃનિર્માણ માટે રૂ. 240 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન કુલ 3 માળનું બનાવવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓની સાથે આ રેલવે સ્ટેશનમાં સંસ્કૃતિ અને ભગવાન શ્રી રામજીના મંદિરની પ્રતિકૃતિ પણ જોવા મળે છે. રેલવે સ્ટેશનના બહારના મુખ્ય ભાગને શાહી મુકુટના રુપમાં બનાવવામાં આવ્યો છે. જેમાં ભગવાન શ્રી રામજીની પ્રતીકાત્મક ડિઝાઈન અને ધનુષ બનાવવામાં આવ્યું છે.

આ રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓની સુવિધા માટે ફુટ પ્લાઝા, વેટિંગ હોલ, બાળકોની સંભાળ માટે ખાસ રુમ, ક્લોક રુમ વગેરે જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે. આ ઉપરાંત લિફ્ટ, એસ્કેલેટર, પ્રવાસીઓ માટે સુચના કેન્દ્ર, ટેક્સી જેવી જરુરી સુવિધા ઉભી કરાઈ છે. અયોધ્યા રેલવે સ્ટેશન ઉપર દરરોજ એક લાખ પ્રવાસીઓના સંચાલનને ધ્યાનમાં રાખીને વિકાસ કરવામાં આવ્યો છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધુનિક સુવિધાઓથી સજ્જ અયોધ્યાધામ રેલવે સ્ટેશન, મહર્ષિ વાલ્મીકી એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત દિલ્હીથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઈટે પણ ઉડાન ભરી હતી.