ઢાકા, 1 મે 2026: બાંગ્લાદેશના પૂર્વ મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ગંભીર કાયદાકીય કુંડાળામાં ફસાયા છે. ઓગસ્ટ 2024 થી ફેબ્રુઆરી 2026 સુધી બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા રહેલા યુનુસ પર 100 કરોડ ટકાના સરકારી અને બેંકિંગ ફંડના દુરુપયોગનો આરોપ લાગ્યો છે. બાંગ્લાદેશની વર્તમાન સરકારે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અને ‘ટાઈમ્સ ઓફ બાંગ્લાદેશ’ના અહેવાલ અનુસાર, અનેક બેંકોએ આરોપ લગાવ્યો છે કે યુનુસ સરકારે બંધારણને મજબૂત કરવાના નામે યોજાયેલા જનમત સંગ્રહ માટે બેંકોના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડમાંથી નાણાં આપવા દબાણ કર્યું હતું. બેંકોનું કહેવું છે કે સરકારની ધાકધમકી હેઠળ તેમણે કરોડો રૂપિયા શંકાસ્પદ એનજીઓ ને ટ્રાન્સફર કરવા પડ્યા હતા.
રિપોર્ટ મુજબ, યુનુસ સરકારે જનમત સંગ્રહના પ્રચાર માટે શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતી સંસ્થાઓને નાણાં આપવા બેંકોને મજબૂર કરી હતી. એસોસિએશન ઓફ બેંકર્સ બાંગ્લાદેશે સરકારી દબાણમાં આવીને ‘શુજાન’ નામના સંગઠનને 2.5 કરોડ ટકા આપ્યા હતા. ‘ડિબેટ ફોર ડેમોક્રેસી’ ને 21 લાખ ટકા અને ‘SAD ફાઉન્ડેશન’ ને 1 કરોડ ટકાની લ્હાણી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે ‘ફાઉન્ડેશન ડિબેટ ફોર ડેમોક્રેસી’ પાસે જરૂરી દસ્તાવેજો પણ નહોતા, તેમ છતાં તેને ભંડોળ આપવામાં આવ્યું હતું.
તપાસમાં બહાર આવ્યું છે કે યુનુસ સરકારે સમગ્ર દેશમાં જનમત સંગ્રહની તરફેણમાં માહોલ બનાવવા માટે કુલ 142 કરોડ ટકા ખર્ચ્યા હતા. આ અભિયાનમાં 6 મંત્રાલયોને કામે લગાડવામાં આવ્યા હતા. જોકે, ફેબ્રુઆરીમાં સત્તા પર આવેલા તારિક રહેમાનની BNP સરકારે હવે આ જનમત સંગ્રહના નિર્ણયોને પલટાવવાનું શરૂ કર્યું છે.
શેખ હસીનાના તખ્તાપલટ બાદ મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશના ‘તારણહાર’ તરીકે જોવામાં આવતા હતા, પરંતુ આ નાણાકીય ગેરરીતિના આરોપોએ તેમની અને તેમની વચગાળાની સરકારની વિશ્વસનીયતા પર મોટા સવાલિયા નિશાન ઉભા કર્યા છે. બેંકોનું કહેવું છે કે આ ગેરકાયદેસર વ્યવહારોને કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી છે.

