નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે વર્ષ 2026 માટે ભારત પાસેથી 1 લાખ 80 હજાર ટન ડીઝલ આયાત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ ડીઝલ ભારતની સરકારી કંપની ‘ઓઈલ ઈન્ડિયા લિમિટેડ’ની પેટા કંપની નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ (NRL) પાસેથી ખરીદવામાં આવશે.
નાણાકીય સલાહકાર સાલેહુદ્દીન અહમદની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ સોદાને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. આયાત કરાનાર ડીઝલની કુલ કિંમત અંદાજે 119.13 મિલિયન યુએસ ડોલર (આશરે 14.62 કરોડ બાંગ્લાદેશી ટકા) નક્કી કરવામાં આવી છે. આ સોદા મુજબ ડીઝલની મૂળ કિંમત પ્રતિ બેરલ 83.22 ડોલર રાખવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ મુજબ પરિવર્તનશીલ રહેશે. ડીઝલની આ સપ્લાય ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાર્યરત ‘બાંગ્લાદેશ-ઇન્ડિયા ફ્રેન્ડશિપ પાઇપલાઇન’ દ્વારા કરવામાં આવશે. પાઇપલાઇન દ્વારા પરિવહન થવાને કારણે ખર્ચમાં ઘટાડો થશે અને પુરવઠો સતત જળવાઈ રહેશે.
બાંગ્લાદેશ તેની વધતી ઉર્જા જરૂરિયાતો અને આર્થિક પડકારો વચ્ચે ભારતને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. આ આયાતનો કેટલોક હિસ્સો બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (BPC) દ્વારા ચૂકવવામાં આવશે, જ્યારે બાકીની રકમ બેંક લોન દ્વારા ચૂકવવામાં આવશે. અગાઉ બાંગ્લાદેશે ભારત પાસેથી ચોખા ખરીદવાની પણ જાહેરાત કરી હતી, જે બંને દેશો વચ્ચે વધતા આર્થિક સહયોગનો પુરાવો છે.
આ પણ વાંચોઃઐતિહાસિક બજેટની તૈયારી: 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે કેન્દ્રીય બજેટ

