Site icon Revoi.in

બાપુની પુણ્યતિથિ: ખડગે અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

Social Share

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસના ટોચના નેતાઓએ તેમને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બાપુના સત્ય અને અહિંસાના માર્ગને વર્તમાન સમયમાં સૌથી વધુ પ્રાસંગિક ગણાવ્યો હતો.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરસિંહ મહેતાનું પ્રિય ભજન ટાંકીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું, “વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે… જે નફરતે આપણને બાપુથી અલગ કર્યા, તેનો તોડ પણ બાપુનો જ માર્ગ છે. સત્યનો પ્રકાશ, અહિંસાની તાકાત અને પ્રેમની કરુણા જ સાચો રસ્તો છે. બલિદાન દિવસ પર રાષ્ટ્રપિતાને નમન.”

રાહુલ ગાંધીએ બાપુને એક વિચારધારા ગણાવતા એક્સ પર લખ્યું હતું કે, “મહાત્મા ગાંધી માત્ર એક વ્યક્તિ નથી, પણ એક વિચાર છે. એવો વિચાર જેને ક્યારેક સામ્રાજ્યવાદે, ક્યારેક નફરતની વિચારધારાએ તો ક્યારેક અહંકારી સત્તાએ ભૂંસી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. બાપુએ આપણને મૂળમંત્ર આપ્યો છે કે સત્તાની તાકાત કરતા સત્યની શક્તિ હંમેશા મોટી હોય છે અને હિંસા-ડર કરતા અહિંસા અને સાહસ શ્રેષ્ઠ છે.”

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ બાપુના કથનને ટાંકીને સંદેશ આપ્યો કે, “સાચી લોકશાહી ત્યારે જ આવી શકે છે જ્યારે દરેક વ્યક્તિનું જીવન સુરક્ષિત અને સ્વતંત્ર હોય.” કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ ભાજપ અને આરએસએસ પર પરોક્ષ નિશાન સાધતા કહ્યું કે, જે નફરતની વિચારધારાએ બાપુની હત્યા કરી, તે આજે પણ તેમના વિચારોને ભૂંસવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે ઉમેર્યું કે બાપુના નશ્વર શરીરને મિટાવી શકાય છે પણ તેમના વિચારો સૂર્ય સમાન છે જે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે. જે ગિરોહે આઝાદીની લડત નબળી પાડી હતી, તે આજે ગાંધીજીના વારસાનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ: PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી અંજલી

Exit mobile version