Site icon Revoi.in

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા પહેલાં આજે અખાત્રિજના દિને ત્રણેય રથનું પૂજન કરાયું

Social Share

અમદાવાદઃ શહેરમાં દરવર્ષે અષાઢીબીજને દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને ભાઈ બલરામજી રથમાં બીરાજીને નગરચર્યાએ નીકળે છે. રથયાત્રા પહેલા જ અખત્રિજના શુભ દિને સાબરમતી નદીમાંથી જળ ભરીને ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી છે. આજે અખાત્રિજના દિને કોરોનાને લીધે સાદગીથી કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. આજે અખાત્રીજના દિવસે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યું હતું. માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી આપણા માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ગયા વર્ષે આપણે મહામારીને કારણે રથયાત્રા કાઢી શક્યા નથી. આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહિ એ કહેવું હાલ વહેલું છે. આપણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે કે મહામારીમાંથી જલદી મુક્તિ મળે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે આજે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવે છે. આજે પૂજન બાદ ત્રણ- ચાર દિવસમાં રથનું સમારકામ અને રંગરોગાન શરૂ કરવામાં આવશે. 24મી જૂનના રોજ જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા અંગે એમ પણ જણાવ્યું હતું કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે.

ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરી અને મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યાર બાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોનાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા.