Site icon Revoi.in

બંગાળમાં અધિકારી સરકાર ખોટી રીતે નોકરી મેળવનારા શિક્ષકો પાસેથી વ્યાજ સાથે પગાર વસુલાશે

Social Share

કોલકાતા, 13 મે 2026: પશ્ચિમ બંગાળના શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી શાળાઓમાં ગેરકાયદેસર રીતે નોકરી મેળવનારા ઉમેદવારો વિરુદ્ધ લાલ આંખ કરી છે. વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યો છે કે જે ‘દાગી’ ઉમેદવારોએ પૈસા આપીને શિક્ષણ કે બિન-શૈક્ષણિક પદો મેળવ્યા હતા, તેમની યાદી તાત્કાલિક તૈયાર કરવામાં આવે. આ ઉમેદવારોએ અત્યાર સુધી મેળવેલો પગાર અને તેના પરનું વ્યાજ ગણીને રાજ્ય સરકારને પરત કરવાનું રહેશે.

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, ‘દાગી’ શ્રેણીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે ભરતી પરીક્ષાઓમાં કોરી કે અધૂરી ઉત્તરવહીઓ જમા કરાવી હોવા છતાં નોકરી મેળવી હતી. આ ઉપરાંત, રેન્કમાં છેડછાડ કરીને અથવા પેનલની બહારથી નામાંકન મેળવીને નોકરી હસ્તગત કરનારાઓનો પણ તેમાં સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશનની અંદાજે 26,000 નોકરીઓની આખી પેનલ રદ કરી દીધી હતી. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ 2025માં માન્ય રાખ્યો હતો. અદાલતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે જે લોકોએ અયોગ્ય રીતે સરકારી ભંડોળ મેળવ્યું છે, તેમની પાસેથી વ્યાજ સાથે નાણાંની વસૂલાત કરવામાં આવે. રાજ્ય શિક્ષણ વિભાગે હવે વહીવટીતંત્રના ટોચના અધિકારીઓની સૂચના બાદ આ વિલંબિત વસૂલાત પ્રક્રિયા તેજ કરી છે.

ભૂતકાળમાં જ્યારે અયોગ્ય શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમાં તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓ અને તેમના નજીકના સંબંધીઓના નામ બહાર આવ્યા હતા. આ રાજકીય જોડાણોને કારણે અગાઉ કાર્યવાહીમાં વિલંબ થયો હોવાનું મનાય છે, પરંતુ હવે કોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકાર આદેશ લાગુ કરવા મજબૂર બની છે. પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશનની અંદાજે 26 હજાર જેટલી નોકરીઓ રદ થઈ હતી. જેમાં 18418 શિક્ષણ સ્ટાફ અને બાકીનો બિન-શૈક્ષણિક સ્ટાફનો સમાવેશ થાય છે.

જિલ્લા અધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટે 3 એપ્રિલ, 2025 ના રોજ આદેશ આપ્યો હતો કે 2016 ની પેનલમાં નાણાંના બદલામાં નોકરી મેળવનારા તમામ અયોગ્ય શિક્ષકોએ તેમનો પગાર પરત કરવો જ પડશે.

આ પણ વાંચોઃ મીડલ ઈસ્ટમાં ચાલતા તણાવને પગલે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અંગે RBIએ આપ્યા સંકેત

Exit mobile version