- મુર્શિદાબાદ અને માલદા સરહદે કિલ્લાબંધી મજબૂત કરાશે
- 18 કિમીમાં કાંટાળા તારની વાડ અને 9 કિમીમાં BSF ચોકીઓ બનશે
કોલકાતા, 21 મે 2026: સરહદી સુરક્ષા અને ગેરકાયદે ઘૂસણખોરી રોકવા તરફ એક મોટું કદમ ઉઠાવતા પશ્ચિમ બંગાળ સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર કાંટાળા તારની વાડ (ફેન્સિંગ) લગાવવા માટે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ને 27 કિલોમીટર જમીન સોંપી દીધી છે. ગુરુવારે રાજ્ય સચિવાલય ‘નબાનન્ન’ ખાતે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ બીએસએફના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે જમીન હસ્તાંતરણની પ્રક્રિયાની શરૂઆત કરાવી હતી.
મળતી વિગતો મુજબ, સોંપવામાં આવેલી જમીનમાંથી 18 કિલોમીટરના વિસ્તારમાં અત્યંત મજબૂત કાંટાળા તારની વાડ ઊભી કરવામાં આવશે, જ્યારે બાકીના 9 કિલોમીટરના હિસ્સાનો ઉપયોગ બીએસએફ ચોકીઓ અને અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે કરવામાં આવશે.
હાલના સમયમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને માલદા જિલ્લા સુરક્ષા તેમજ રાજકીય બંને દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. આ બંને જિલ્લાઓની સરહદ સીધી બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ, મુર્શિદાબાદમાં મુસ્લિમ વસ્તી અંદાજે 66 ટકા અને માલદામાં 51 ટકા જેટલી છે. આ ભૌગોલિક અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ સરહદી સુરક્ષા વ્યવસ્થાને અભેદ્ય બનાવવા માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.
રાજકીય વર્તુળોના મતે, ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી આ સરહદી વિસ્તારોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવતી રહી છે. ભાજપનો આરોપ છે કે સરહદ પારથી થતી ગેરકાયદે ઘૂસણખોરી બાદ સ્થાનિક સ્તરે નકલી દસ્તાવેજોના આધારે ઘૂસણખોરોને ભારતીય ઓળખ અપાવવામાં આવતી રહી છે. આ ગંભીર આરોપો અને સુરક્ષા એજન્સીઓના ઇનપુટ્સ વચ્ચે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા બીએસએફને જમીન સોંપવાનો આ નિર્ણય સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સંગીન બનાવવામાં મદદરૂપ સાબિત થશે.

