Site icon Revoi.in

ભોપાલઃ સરકારે સ્કૂલના સમારકામ માટે આપેલા ફંડમાંથી મઝાર બનાવાઈ, આચાર્ય સસ્પેન્ડ કરાયાં

Social Share

ભોપાલઃ વિદિશા જિલ્લાના કુરવાઈમાં સીએમ રાઈઝ સ્કૂલમાં મઝાર બનાવવાના મામલે રાજ્ય સરકારે મુસ્લિમ મહિલા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યાં હતા. સરકારે સ્કૂલના સમારકામ માટેના પૈસા આપ્યા હતા. જો કે, અહી મઝાર બનાવી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આચાર્યનો પતિ શાળામાં રમતગમત શિક્ષક છે અને તેણે આ મઝાર બંધાવી હોવાનું જાણવા મળે છે. શાળાના નિવૃત્ત શિક્ષકે સરસ્વતી મંદિર બનાવવાની પરવાનગી માંગી હતી, જે આચાર્યએ નામંજૂર કરી હતી. આ શાળામાં રાષ્ટ્રગીત પણ ગવાતુ નહીં હોવાનું જાણવા મળે છે.

કુરવઈની સીએમ રાઈઝ સ્કૂલના તત્કાલિન પ્રિન્સિપાલ શાઈના ફિરદૌસને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. જે પબ્લિક એજ્યુકેશન કમિશનર અભય વર્માએ શાઈનાના સસ્પેન્શનનો આદેશ કર્યો હતો. રાજ્ય સરકારે તાજેતરમાં આ શાળાને સીએમ રાઇઝ સ્કૂલ તરીકે વિકસાવવા માટે પસંદ કરી હતી. આ માટે જાહેર કરાયેલા ફંડના દુરુપયોગનો મામલો પણ સામે આવ્યો છે. શાઇના ફિરદૌસે ન માત્ર સરકારી ખર્ચે શાળાના પરિસરમાં ચબુતરો બનાવ્યો હતો. તેમજ લોકોએ શુક્રવારે અહીં નમાઝ પઢવાનું પણ શરૂ કર્યું હતું. એટલું જ નહીં મુસ્લિમ વિદ્યાર્થીઓને શુક્રવારે રજા પણ આપવામાં આવતી હતી. શાળાના શિક્ષકોએ આચાર્ય સામે ફરિયાદ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ કરતાં તમામ આક્ષેપો સાચા હોવાનું જાણવા મળ્યું હતું.

શાળામાં મકબરાના બાંધકામની ફરિયાદો થોડા મહિના પહેલા જિલ્લા શિક્ષણ વિભાગને કરવામાં આવી હતી. આ પછી પણ અધિકારીઓએ તાત્કાલિક કોઈ પગલાં લેવાને બદલે બ્લોક ઓફિસર દ્વારા તપાસ કરાવી હતી. આ અહેવાલ જોઈન્ટ ડાયરેક્ટરને મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી અતુલ મુદગલે ફિરદૌસને પાથરી હાયર સેકન્ડરી સ્કૂલમાં ટ્રાન્સફર કરી હતી. જ્યાં તે હજુ સુધી જોડાયા નથી.

જિલ્લા શિક્ષણ અધિકારી મુદગલનું કહેવું છે કે 31 ઓગસ્ટે તેમણે કલેકટરને શાળા પરિસરમાંથી મઝાર હટાવવા માટે પત્ર લખ્યો હતો. આ બાંધકામ હજુ દૂર કરવામાં આવ્યું નથી. ફેબ્રુઆરી 2022 માં, આચાર્યને શાળાના સમારકામની રકમથી ચબુતરો બનાવામાં આવ્યો હતો. આ પ્લેટફોર્મને મઝારનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા અધિકાર આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ આરોપ લગાવ્યો છે કે, શાળાના પરિસરમાં લાંબા સમયથી ચોક્કસ ધર્મ પર આધારિત પ્રવૃત્તિઓ ચાલુ હતી. સમગ્ર ઘટનાથી શિક્ષણ વિભાગના અધિકારીઓ અજાણ રહ્યા હતા.

કુરવાઈ એસડીએમ અંજલિ શાહે હેડક્વાર્ટરમાં ન રહેતા શિક્ષકોને નોટિસ ફટકારવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કે ,શાળા પરિસરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે. શાળામાં માત્ર પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિવસે જ રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું. ફિલ્મના ગીત એ મલિક તેરે બંદે હમ… પર દરરોજ પ્રાર્થના થતી.