નવી દિલ્હી 24 ડિસેમ્બર 2025 : Indian Aviation ભારતીય એવિએશન સેક્ટરમાં મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ્યારે દેશની સૌથી મોટી એરલાઇન ‘ઇન્ડિગો‘ની સિસ્ટમ ખોરવાઈ ત્યારે હજારો મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર અટવાયા હતા. આ ઘટનાએ ઉડ્ડયન ક્ષેત્રમાં ગણ્યા-ગાંઠ્યા ખેલાડીઓના વર્ચસ્વની કડવી વાસ્તવિકતા સામે લાવી દીધી હતી. હવે કેન્દ્ર સરકારે આ ઈજારાશાહી તોડવા અને મુસાફરોને વધુ વિકલ્પો આપવા માટે કમર કસી છે.
- ‘અલ હિંદ એર’ અને ‘ફ્લાય એક્સપ્રેસ’ને મળી લીલીઝંડી
કેન્દ્ર સરકારે બે નવી એરલાઇન્સ, ‘અલ હિંદ એર’ અને ‘ફ્લાય એક્સપ્રેસ’ ને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કરી દીધું છે. આનો સીધો અર્થ એ છે કે આગામી સમયમાં હવાઈ મુસાફરોએ માત્ર એક કે બે મોટી કંપનીઓ પર નિર્ભર નહીં રહેવું પડે. સ્પર્ધા વધવાને કારણે ટિકિટના દરોમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
- 90% માર્કેટ શેર માત્ર બે ગ્રુપ પાસે
ભારતીય આકાશ પર હાલમાં બે મોટા જૂથોનું શાસન છે જેમા ઇન્ડિગો અને ટાટા ગ્રુપ (એર ઇન્ડિયા)નો સમાવેશ થાય છે. આંકડા મુજબ, દેશના લગભગ 90 ટકા મુસાફરો આ બે જૂથોની સેવાઓનો ઉપયોગ કરે છે. જ્યારે આમાંથી કોઈ એક એરલાઇનમાં ટેકનિકલ ખામી સર્જાય છે, ત્યારે આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે અને સામાન્ય માણસે ભારે હાલાકી ભોગવવી પડે છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ આ જોખમને ઓછું કરવા માટે સક્રિયતા દાખવી છે. તેમણે જણાવ્યું કે સરકાર બજારમાં સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં મંત્રાલયે ત્રણ નવી કંપનીઓની ટીમો સાથે મુલાકાત કરી છે. સરકારનો આ નિર્ણય મનસ્વી ભાડા અને ફ્લાઇટમાં થતા વિલંબથી જનતાને રાહત અપાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.
અલ હિંદ એર આ કેરળ સ્થિત ‘અલહિંદ ગ્રુપ’નો ભાગ છે, જે ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે પહેલેથી જ મોટું નામ ધરાવે છે. જ્યારે હૈદરાબાદ સ્થિત ફ્લાય એક્સપ્રેસ કુરિયર અને કાર્ગો સેવાઓમાં બહોળો અનુભવ ધરાવે છે. શંખ એરને પહેલા જ NOC મળી ચૂક્યું છે. શંખ એરની યોજના લખનૌ, વારાણસી, આગ્રા અને ગોરખપુર જેવા શહેરોને જોડવાની છે.
સરકારની ‘ઉડાન’ યોજના હેઠળ સ્ટાર એર અને ફ્લાય91 જેવી કંપનીઓ પહેલેથી જ કાર્યરત છે. હવે આ નવા ખેલાડીઓના આગમનથી ટિયર-2 અને ટિયર-3 શહેરોની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

