Site icon Revoi.in

બિહારઃ વિધાનસભા પરિસરમાંથી દારૂની બોટલો મળી, તેજસ્વી યાદવે સીએમ પર કર્યાં પ્રહાર

Social Share

પટણાઃ દારૂબંધી ધરાવતા બિહારમાં હવે વિધાનસભા પરિસરમાંથી દારૂની બોટલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વિધાનસભા પરિસરમાંથી દારૂની કેટલીક બોટલો મળી હતી. આ મુદ્દે હવે બિહારમાં રાજકારણ શરૂ થયું છે.પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડીના ધારાસભ્ય તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાની માંગણી કરી છે. તેમજ કહ્યું છે કે, દારૂની ખાલી બોટલો મળી આવતા હવે મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.

વિધાનસભા પરિસરમાંથી દારૂની બોટલ મળી આવતા તેજસ્વી યાદવ સ્થળ પર દોડી ગયા હતા. તેમણે વિધાનસભા પરિસરનો વીડિયો પણ શેયર કર્યો છે. તેમજ તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ઓફિસની નજીક જ વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી હતી. સુરક્ષા વચ્ચે ચાલુ સત્રમાં વિધાનસભામાં દારૂ મળી રહે છે. બાકી બિહારની કલ્પના જ કરી લો. યાદવે કહ્યું કે, આ ખુબ જ ગંભીર મુદ્દો છે. સમગ્ર બિહારમાં દારૂ મળે છે. રાજ્યમાં સંપૂર્ણ રીતે દારૂબંધી હોવી જોઈએ. આ ઉપરાંત તેજસ્વી પ્રસાદે મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે ગૃહમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા દારૂ મુદ્દે મામલો ગરમાયો હતો. દારૂબંધીને લઈને રાજદના ધારાસભ્ય વીરેન્દ્ર અને ભાજપના ધારાસભ્ય સંજય સરાવગી વચ્ચે ચકમક ઝરી હતી. તેમજ વિધાનસભા ગૃહમાં પણ ભાજપ અને આરજેડીના ધારાસભ્ય વચ્ચે શાબ્દીક તકરાર થઈ હતી.