Site icon Revoi.in

બિકાનેરઃ સરહદ પાસેથી પાકિસ્તાન લખેલૂ બલૂન મળ્યું, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Social Share

જયપુરઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તેની સાથેના મોટાભાગના વ્યવહારો કાપી નાખ્યાં છે. દરમિયાન રાજસ્થાનના બિકાનેરમાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વિસ્તારમાંથી ફરી એકવાર પાકિસ્તાની બલૂન ઉડીને આવ્યું છે. બલૂન પર અંગ્રેજીના મોટા અક્ષરોમાં પાકિસ્તાન લખેલું છે. પ્રાથમિક તપાસમાં બલૂનમાં કોઈ જીપીએસ કે અન્ય ઉપકરણ જોવા મળ્યું નથી. જો કે, પોલીસે બલુન જપ્ત કરીને સમગ્ર મામલાની તપાસમાં શરૂ કરી છે. ભૂતકાળમાં સરહદ પારથી શંકાસ્પદ વસ્તુઓ ભારતીય સરહદમાં આવતી ઝડપી લેવાઈ હતી. એટલું જ નહીં સ્થાનિકોને કેટલીકવાર શંકાસ્પદ વોટ્સએપ કોલ આવતા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર બિકાનેર જિલ્લાના  ખાજુવાલાના એક ગામમાં રાજુભાઈ નામના ખેડૂતના ખેતરમાંથી પાકિસ્તાન લખેલુ બલૂન જોવા મળ્યું હતું. જેથી આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ વિસ્તાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની ખૂબ નજીક છે. પાકિસ્તાની બલુનની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પાકિસ્તાની બલૂન મળવાની સૂચના પર સરહદી સુરક્ષા દળના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીએસએફના અધિકારીઓએ ત્યાં સમગ્ર સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષાના દૃષ્ટિકોણથી સીમા સુરક્ષા દળ અને પોલીસ તેની સઘન તપાસ કરી રહી છે. અગાઉ પણ અહીંથી કેટલીક વખત શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. ભારતીય સુરક્ષા જવાનો સરહદ ઉપર હાલ સઘન પેટ્રોલીંગ કરી રહ્યાં છે.