Site icon Revoi.in

બિપરજોય વાવાઝોડુઃ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું

Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્ય સરકારે દરિયાકાંઠા વિસ્તારોને સાબદા રહેવા તાકીદ કરી છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને કચેરી નહીં છોડવા આદેશ આપવાની સાથે રાજ્ય સરકારના મંત્રીઓને દરિયાકાંઠા વિસ્તારની વ્યવસ્થાપનની જવાબદારી સોંપી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવચેત રહેવા તાકીદ કરી છે. દરમિયાન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે વાવાઝોડા સમયે અને ત્યારબાદ લોકોએ કઈ સાવચેતી રાખવી તેનો નાગરિકોને અનુરોધ કરાયો છે.

બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે. જેથી હાલ દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતની રેસ્ક્યુ ટીમો સ્ટેન્ડ બાય રાખી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં હાલ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા વિવિધ બીચ ઉપર પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરની સ્કૂલોમાં વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે હણ દરિયાકાંઠા વિસ્તારના 6 જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ હાલ મોકુલ રાખવામાં આવ્યો છે. સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારના લોકોના સ્થળાંતરને લઈને કામગીરી પણ શરૂ કરવામાં આવશે. દ્વારકામાં 1100 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.