Site icon Revoi.in

કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરની હત્યાનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં બની હતી. કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. ભાજપના યુવા નેતા બાઇક પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ પ્રવીણ નેટ્ટારુ ઘરે પરત ફરી રહ્યા હતા. પ્રવીણ બેલ્લારે વિસ્તાર પાસે મરઘાંની દુકાન ચલાવતો હતો. આખો દિવસ કામ કર્યા બાદ જ્યારે પ્રવીણ દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, દરમિયાન આસપાસ બાઇક પર આવેલા બદમાશોએ તેમના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પ્રવીણને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ ભાજપના નેતાના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે, ટ્વિટ ઉપર તેમણે લખ્યું હતું કે, દક્ષિણ કન્નડ જિલ્લાના અમારા પાર્ટી કાર્યકર પ્રવીણ નેટ્ટારુની ઘાતકી હત્યા નિંદનીય છે. આવા જઘન્ય કૃત્યના ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદા હેઠળ સજા કરવામાં આવશે. પ્રવીણના આત્માને શાંતિ મળે.

દરમિયાન, બેલ્લારી પોલીસે કેસ નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે. ભાજપ યુવા મોરચાના કાર્યકર પ્રવીણ નેટ્ટારુની હત્યાના વિરોધમાં ભાજપના અનેક કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. તેમજ હત્યા અંગે નારાજગી વ્યક્ત કરીને આરોપીઓને ઝડપીને આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

દક્ષિણ કન્નડ એસપી સોનવણે ઋષિકેશે કહ્યું કે, આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જો ગુનાના સ્થળે સીસીટીવી કેમેરા હશે તો તેના ફૂટેજની મદદથી હુમલાખોરોને શોધી કાઢવામાં આવશે. આ ઉપરાંત પોલીસે યુવા નેતાના નજીકના સંબંધીઓની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.