Site icon Revoi.in

ભાજપના નવા નિર્ણયથી અમદાવાદ મનપાની ચૂંટણીમાં 13થી વધારે કોર્પોરેટરના પત્તા કપાવાની શકયતા

Social Share

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરના, 3 ટર્મથી ચૂંટણી લડતા તથા નેતાઓના સંબંધીઓનો ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે અમદાવાદમાં હાલમાં ભાજપના 13થી વધારે કોર્પોરેટરોના પત્તા કપાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે અમદાવાદમાં ભાજપના ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મુદ્દે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ચાલી રહી છે. જેમાં ઉમેદવારોની પસંદગીને લઈ કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યાં છે. 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારને ટિકિટ નહી આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત નેતાઓના પરિવારના સભ્ય કે સગા તથા 3 ટર્મ પૂરી થઇ હોય તેને પણ ટિકિટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં અનેક નેતાઓએ દાવેદારી કરી હતી. જો કે, ભાજપના આ નિર્ણયથી અને દાવેદારોના અરમાનો ઉપર પાણી ફરી વળ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ ભાજપના 13 જેટલા સિટીંગ કોર્પોરેટરને ટિકીટથી વંચિત રહેવાનો વારો આવે તેવી શકયતા છે. આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં સુરત, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ તા. 4 ફેબ્રુઆરીથી ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શકયતા છે. અમદાવાદમાં ભાજપના જૂના જોગીઓ સહિત અનેક નેતાઓના પત્તા કપાઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 21મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સહિત છ મનપામાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 500થી વધારે બેઠક ઉપર જીતનો લક્ષ્યાંક રાખ્યો છે.