Site icon Revoi.in

ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે વન ટુ વન બેઠક યોજીને પાટીદાર ઈફેક્ટની જાણકારી મેળવી !

Social Share

ગાંધીનગર : કોરોના કાળમાં સરકારની કામગીરીને લઈ પ્રજામાં ભાજપ સામે નારાજગી ઊભી થયાની ફરિયાદો ઊઠ્યા બાદ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ શુક્રવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. મુલાકાતના આજે બીજો દિવસે ભાજપના પ્રદેશના  નેતાઓ સાથે મુલાકાતનો દોર ચાલી રહ્યો છે. એક તરફ ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક ચાલી રહી હતી. જેમાં પાટીદાર સમાજમાંથી મુખ્યપ્રધાન આપવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ ભુપેન્દ્ર યાદવે ભાજપના પાટીદાર નેતાઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો  તેઓ બેક ટુ બેક મીટિંગ યોજી રહ્યાં છે. આજે મંત્રી કૌશિક પટેલ બાદ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સાથે બેઠક કરી હતી. તેમજ  વહેલી સવારે પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી હતી.

ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગાંધીનગરમાં ચાર જગ્યાએ ભાજપની બેઠકોનો દોર શરૂ થયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસ્થાને, સેક્ટર 19 ના કે 20 બંગલામાં, ગાંધીનગર સર્કિટ હાઉસમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, સાંસદ કિરીટ સોલંકી, ભાજપના ધારાસભ્ય અને સી.આર.પાટિલના અંગત હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની મીટિંગ યોજાઈ હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાન તેમજ પ્રધાન મંડળ વિસ્તારમાં પણ ભાજપના નેતાઓની બેઠકો યોજાઈ હતી.  ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ધારાસભ્યોની બેઠકમાં હાજર રહેશે. 15 જૂને ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળવાની છે. આવતીકાલે સવારે પ્રભારી દિલ્હી જવા રવાના થશે.

પ્રભારી ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ હતો. સવારે પ્રભારી યાદવ પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાને પહોચ્યા હતા. પાટીલ સાથે ટૂંકી મુલાકાત બાદ ત્યાથી રવાના થયા હતા ત્યાર બાદ પ્રભારીને મળવા માટે મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પહોચ્યા હતા. દિવસભર અલગ અલગ લોકો સાથે પ્રભારીની મુલાકાત ચાલી હતી.  આ સાથે જ ગાંધીનગરના સેક્ટર 19 માં આવેલા કે 20 બંગલો ભાજપની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાન K 19 પર ભાજપના નેતાઓ બેઠકો માટે એક બાદ એક પહોંચી રહ્યા હતા. ભૂપેન્દ્ર યાદવ સાથે વન-ટુ-વન બેઠક અહીં ચાલી રહી છે.