Site icon Revoi.in

દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું : શુક્રવારે બિપિન રાવતના અંતિમ સંસ્કાર કરાશે

Social Share

દિલ્હીઃ તમિલનાડુમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં પ્રથમ સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની તથા અન્ય 11 દેશના સપુતોના નિધન થયાં હતા. દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત વાયુસેનાના એમ-17 હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ (ડેટા રેકોર્ડર) આજે સવારે મળી આવ્યું હતું. વિંગ કમાન્ડર આર ભારદ્વાજની આગેવાનીમાં વાયુસેનાના 25 સભ્યોની એક સ્પેશિયલ ટીમએ આ બ્લેક બોક્સ જપ્ત કર્યું છે. જો કે, દુર્ગટના અંગે હજુ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ ધુમ્મસના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, બ્લેક બોક્સની તપાસ બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

મીડિયા રિપોર્ટ અનુસાર વિંગ કમાન્ડર આર. ભારદ્વાજની આગેવાની હેઠળની તપાસ ટીમ દ્વારા બ્લેક બોક્સની શોધખોળ કરવામાં આવી હતી. હેલિકોપ્ટર જે સ્થળ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તેની નજીકથી આ બ્લેકબોક્સ મળી આવ્યું હોવાનું જાણવા મળે છે. બ્લેકબોક્સથી જાણી શકાશે કે કયાં કારણોસર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઉપરાંત ચોપરના અવશેષોની તપણ એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેથી હેલિકોપ્ટર ક્રેશનું કારણ જાણી શકાશે. દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન પામેલા તમામ સપુતોના મૃતદેહો હવાઈ માર્ગે દિલ્હી લાવવામાં આવશે. આવતીકાલે બિપિન રાવતના માન સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે, જનરલ બિપિન રાવત પોતાના પૂર્વનિર્ધારિત સમારોહમાં સામેલ થવા જઈ રહ્યાં હતા. સવારે 11.48 કલાકે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. જે બાદ 12.15 કલાકે હેલિકોપ્ટર વેલિંગટનમાં લેન્ડ થવાનું હતું. પરંતુ 12.08 કલાકે એર ટ્રાફિક કન્ટ્રોલથી તેનો સંપર્ક તુટ્યો હતો. આ દરમિયાન લોકોએ મોટા ઘડાકાનો અવાજ સાંભળ્યો હતો. જેથી લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. જે બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીપિન રાવત વેલિંગટનની ડિફેન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને મળવા જઈ રહ્યાં હતા.

Exit mobile version