Site icon Revoi.in

દિલ્હીની રોહિણી કોર્ટ સંકુલમાં બ્લાસ્ટઃ એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં રોહિણી કોર્ટમાં આજે સવારે ધમાકાના અવાજથી નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટમાં કોર્ટ નંબર 102માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયાં હતા. તેમને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બ્લાસ્ટની તીવ્રતા ઓછી હતી. તેમજ બ્લાસ્ટના કારણે જમીનમાં ખાડો પડી ગયો હતો. સ્થળ પરથી આઈઈડી, એક્સપ્લોસિવ અને એક ટીફીન જેવી વસ્તુઓ મળી હતી. જેથી આ એક ક્રુડ બોમ્બ હોવાનું મનાઈ રહ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે બ્લાસ્ટની તપાસ શરૂ કરી છે. તેમજ એનએસજીને પણ બનાવ સ્થળે બોલાવવામાં આવી હતી.

 

પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટ સંકુલમાં બ્લાસ્ટની જાણકારી મળતા ફાયરબ્રિગેડના છ વાહનો સ્થળ પર દોડી ગયા હતા. આ ઉપરાંત ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે એફએસએલની મદદથી બ્લાસ્ટની તપાસ શરૂ કરી હતી. કોર્ટ સંકુલમાં બ્લાસ્ટ બાદ ગોળીબાર થયાની અફવા ફેલાતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, પ્રાથમિક તપાસમાં ગોળીબારની ઘટના નહીં બની હોવાનું સામે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોર્ટ સંકુલમાં હત્યાની ઘટના સામે આવી હતી. અસામાજીક તત્વોએ એક ગેંગસ્ટરની ગોળીમારીને હત્યા કરી હતી. જે બાદ પોલીસે હુમલાખોરોને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. દરમિયાન આજે કોર્ટ સંકુલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.