ઈસ્લામાબાદ, 24 જાન્યુઆરી 2026: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડેરા ઈસ્માઈલ ખાન શહેરમાં રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન થયેલા જોરદાર વિસ્ફોટે ખુશીના માહોલને માતમમાં ફેરવી દીધો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટ ડેરા ઈસ્માઈલ ખાન પીસ કમિટીના વડા નૂર આલમ મેહસુદ (જેઓ અગાઉ આત્મસમર્પણ કરી ચુકેલા તાલિબાની નેતા છે) ના ઘરે થયો હતો. બચાવ કામગીરીના અધિકારીઓએ જણાવ્યું કે, બ્લાસ્ટ સમયે ઘરમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી. હોસ્પિટલના ડાયરેક્ટર ફારુખ જમીલે પુષ્ટિ કરી છે કે અત્યાર સુધીમાં 5 મૃતદેહો મળી આવ્યા છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ‘રેસ્ક્યુ 1122’ ની ટીમો ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી હાથ ધરી રહી છે.
હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જોકે આ વિસ્તાર લાંબા સમયથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ની હિંસક પ્રવૃત્તિઓથી પ્રભાવિત છે. પાકિસ્તાન સરકાર અવારનવાર અફઘાનિસ્તાન પર આરોપ લગાવતી રહી છે કે તેઓ TTP આતંકવાદીઓને આશરો આપે છે, જેનો અફઘાન સરકારે હંમેશા ઈનકાર કર્યો છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર સહિત 45 સ્થળે 18મા રોજગાર મેળામાં 61,000 નિમણૂકપત્ર એનાયત

