નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: દક્ષિણ એશિયાના ભૂ-રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશે ભારતને ફાળવેલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) રદ કરવાનો આઘાતજનક નિર્ણય લીધો છે. એટલું જ નહીં, આ 850 એકર જમીન હવે ચીનને ડ્રોન ફેક્ટરી બનાવવા માટે સોંપી દેવામાં આવી છે. આ સાથે જ બાંગ્લાદેશે ચીન પાસેથી 20 અત્યાધુનિક J-10CE ફાઈટર જેટ ખરીદવાની મસમોટી ડીલ પણ ફાઈનલ કરી છે, જે ભારત માટે વ્યૂહાત્મક ચિંતાનો વિષય છે.
ચટગાંવના મીરસારાઈ વિસ્તારમાં આવેલી આ 850 એકર જમીન ભારતીય સરહદથી માત્ર 100 કિમી દૂર છે. અહીં ચીન મીડિયમ રેન્જ અને વર્ટિકલ ટેક-ઓફ ડ્રોન બનાવશે. ચીન બાંગ્લાદેશને ડ્રોન ટેકનોલોજી પણ આપશે. આમ ભારત અને પાકિસ્તાન પછી બાંગ્લાદેશ દક્ષિણ એશિયાનો ત્રીજો ડ્રોન ઉત્પાદક દેશ બનશે. આ વર્ષના અંત સુધીમાં અહીં ડ્રોનનું ઉત્પાદન શરૂ થવાની શક્યતા છે.
2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઢાકા મુલાકાત વખતે આ પ્રોજેક્ટ નક્કી થયો હતો. 2019માં અદાણી પોર્ટ્સ અને BEZA વચ્ચે સમજૂતી થઈ હતી. યુનુસ સરકારના મતે ભારતીય કંપનીઓની રુચિ ઓછી હતી અને ફંડનો ઉપયોગ થયો નહોતો. આ પ્રોજેક્ટ રદ થવાથી ભારતનો પ્રાદેશિક પ્રભાવ ઘટશે અને ઉત્તર-પૂર્વ ભારત (North-East) માટેની કનેક્ટિવિટીને અસર થશે. બાંગ્લાદેશે પોતાની વાયુસેનાના આધુનિકીકરણ (ફોર્સ ગોલ-2030) હેઠળ ચીન સાથે 20 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો છે.
ચીન અગાઉ પાકિસ્તાનને 36 આવા જ વિમાન આપી ચૂક્યું છે. હવે બાંગ્લાદેશનો ચીન તરફનો આ ઝુકાવ ભારતને બે તરફથી ઘેરવાની ચીની નીતિનો ભાગ હોઈ શકે છે. ભારતીય સરહદ નજીક ચીની સૈન્ય ઉપકરણોનું ઉત્પાદન ભારતની સુરક્ષા અને જાસૂસીની ચિંતામાં વધારો કરશે.
આ પણ વાંચોઃ ટ્રમ્પનો દાવો: રશિયા એક સપ્તાહ સુધી યુક્રેન પર હુમલો નહીં કરે

