અમદાવાદઃ મુંબઈમાં બોલીવુડના ડ્રગ્સ કેસમાં નાર્કોટીક કન્ટોલ બ્યુરો (એનસીબી) તપાસ કરી રહી છે. ત્યારે એનબીએ તપાસમાં ગાંધીનગર ફોરેન્સિક લેબની મદદ લીધી હોવાનું જાણવા મળે છે. મુંબઈ એનસીબી દ્વારા ફિલ્મ કલાકારોના મોબાઈલ ફોન અને લેપટોપ સહિત 85 જેટલા સાધનો તપાસ અર્થે મોકલ્યાં હોવાનું જાણવા મળે છે. એફએસએલ દ્વારા આ મોબાઈલ ફોન અને લેપટોપમાંથી ડેટા રિકવર કરવામાં આવે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતની કેસની તપાસ દરમિયાન બોલીવુડમાં ડ્રગ્સ રેકેટ સામે આવ્યું હતું. જેથી સમગ્ર ઘટનાને એનસીબીએ ગંભીરતાથી લઈને તપાસ આરંભી હતી. મુંબઈ એનસીબીએ આ પ્રકરણમાં ફિલ્મ અભિનેત્રી દીપીકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના લોકોની પૂછપરછ કરી હતી. એનસીબીએ તપાસ દરમિયાન કેટલાક મોબાઈલ ફોન અને લેપટોપ સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. ફોરેન્સિક લેબમાં આ તમામ સાધનોમાંથી ડેટા રિકવર કરવામાં આવશે. આ ઉપરાંત છેલ્લા 45 દિવસમાં મોકલેલા 30 મોબાઇલ ફોનમાંથી ડેટા બહાર કાઢ્યા બાદ આ તમામ મોબાઇલ મુંબઇ એનસીબીને પરત કરી દેવામાં આવ્યા છે. જે ડેટા અત્યાર સુધી રિકવર થયા છે તેમાંથી વોઇસ ક્લિપ, વીડિયો ક્લિપ, ચેટ મેસેજ ઉપરાંત કેટલાક શંકાસ્દ મોબાઇલ નંબર પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મુંબઇમાં જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સ સેમ્પલ પણ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં જાણીતી ગાંધીનગરની એફએસએલ દ્વારા નીઠારીકાંડ સહિતના મહત્વાના કેસમાં તપાસનીશ એજન્સીને મદદ કરવામાં આવી છે. ત્યારે હવે મુંબઈ એનસીબીએ પણ બોલીવુડ ડ્રગ્સ કેસમાં કેટલાક મોબાઈલ ફોન અને લેપટોપ તપાસ અર્થે મોકલી આપ્યાં છે.