નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પહાડી વિસ્તારોમાં થઈ રહેલી ભારે હિમવર્ષાની અસર હવે મેદાની રાજ્યોમાં સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં તાપમાન રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યું છે.
મધ્યપ્રદેશમાં ગઈકાલે રાત્રે શહડોલ જિલ્લાનું કલ્યાણપુર સૌથી ઠંડું રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 2.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સીહોર, છિંદવાડા અને મુરેના જેવા વિસ્તારોમાં એટલી ઠંડી હતી કે વનસ્પતિ પર પડેલા ઝાકળના ટીપાં જામીને બરફ બની ગયા હતા. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીથી મધ્યપ્રદેશ આવતી 12થી વધુ ટ્રેનો 2 થી 6 કલાક મોડી ચાલી રહી છે.
રાજસ્થાનમાં 25 જિલ્લાઓમાં શાળાઓ બંધ
રાજસ્થાનમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ગુરુવારે ૨૩ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું, જેને પગલે સાવચેતીના ભાગરૂપે 25 જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જયપુરમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય સુધી પહોંચી ગઈ હતી.
ઉત્તરાખંડમાં સ્થિતિ ગંભીર: માઈનસ 21 ડિગ્રી તાપમાન
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પિથોરાગઢના આદિ કૈલાશ, રુદ્રપ્રયાગના કેદારનાથ અને ઉત્તરકાશીના યમનોત્રી ધામમાં તાપમાન -21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષા ચાલુ છે.
યુપીમાં ‘કોલ્ડ ડે’ની ચેતવણી
ઉત્તર પ્રદેશમાં પણ ધુમ્મસની વ્યાપક અસર જોવા મળી રહી છે. વારાણસી, મેરઠ અને ઝાંસી સહિત 38 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લખનૌ અને કાનપુર સહિત 26 જિલ્લાઓમાં ‘કોલ્ડ ડે’ની ચેતવણી આપવામાં આવી છે. આગ્રામાં વિઝિબિલિટી માત્ર 100 મીટર રહી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા ચાલુ રહેશે. જ્યારે 10 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં હળવો વરસાદ થવાની શક્યતા છે, જેનાથી ઠંડીમાં હજુ વધારો થઈ શકે છે.

