ચારેબાજુથી આર્થિક દેવામાં ડૂબેલું પાકિસ્તાન અત્યારે તેના ઈતિહાસના સૌથી ભયાનક ‘બ્રેઈન ડ્રેઈન’ (પ્રતિભા પલાયન)ના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. કથળતી અર્થવ્યવસ્થા, રાજકીય અસ્થિરતા અને રોજગારીના અભાવે પાકિસ્તાનના ભણેલા-ગણેલા યુવાનો હવે દેશ છોડીને ભાગી રહ્યા છે. પાકિસ્તાનના બ્યુરો ઓફ ઈમિગ્રેશન એન્ડ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટના તાજેતરના અહેવાલે સરકાર અને સેનાની ઊંઘ ઉડાવી દીધી છે.
સરકારી રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 મહિનામાં પાકિસ્તાનમાંથી પાંચ હજાર ડોકટર, 11 હજાર એન્જિનિયર્સ અને 13 હજાર એકાઉન્ટન્ટસ દેશ છોડીને વિદેશ સ્થાયી થયા છે. વર્ષ 2024માં 7.27 લાખ લોકોએ વિદેશમાં નોકરી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે 2025માં નવેમ્બર સુધીમાં જ 6.87 લાખ લોકો આ પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે. સૌથી ચિંતાજનક સ્થિતિ સ્વાસ્થ્ય ક્ષેત્રની છે, જ્યાં 2011 થી 202 વચ્ચે નર્સોના પલાયનમાં 2144 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે.
- આર્મી ચીફના ‘બ્રેઈન ગેઈન’ નિવેદનની ઉડી મજાક
આ ગંભીર સ્થિતિ વચ્ચે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસીમ મુનીર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. થોડા સમય પહેલા મુનીરે આ પલાયનને ‘બ્રેઈન ડ્રેઈન’ નહીં પણ ‘બ્રેઈન ગેઈન’ ગણાવ્યું હતું. હવે જ્યારે લાખો લોકો દેશ છોડી રહ્યા છે, ત્યારે લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું ડોક્ટરો અને એન્જિનિયરોનું દેશ છોડવું એ પાકિસ્તાન માટે ‘ગેઈન’ (ફાયદો) છે?
આ પણ વાંચોઃ CWC બેઠકમાં ખડગેના કેન્દ્ર પર પ્રહારો: કોંગ્રેસ જનઆંદોલન શરૂ કરશે
પૂર્વ સાંસદ મુસ્તફા નવાઝ ખોખરે શહેબાઝ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન દુનિયાનું ચોથું સૌથી મોટું ફ્રીલાન્સિંગ હબ છે. પરંતુ વારંવાર ઇન્ટરનેટ બંધ થવાને કારણે દેશને 1.62 અબજ ડોલરનું નુકસાન થયું છે અને 23.7 લાખ ફ્રીલાન્સ નોકરીઓ જોખમમાં મુકાઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી દેશની રાજનીતિ નહીં સુધરે, ત્યાં સુધી અર્થતંત્ર સુધરવું અશક્ય છે.
પાકિસ્તાનમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે. આર્થિક મુશ્કેલી વચ્ચે પાકિસ્તાની સરકાર વિશ્વભરમાંથી મદદ માટે ભીખ માંગી રહી છે. બીજી તરફ ઉચ્ચ શિક્ષિત વર્ગ રોજગાર સંકટને પગલે ભારે નિરાશાનો સામનો કરી રહ્યો છે. બીજી તરફ દેશમાં ટેલેન્ટને રોકવામાં શહેબાઝ સરકાર અને સેના નિષ્ફળ રહી હોવાનું જાણકારો માની રહ્યાં છે.
આ પણ વાંચોઃ રાજ્યસભા સંગ્રામ 2026: દેશના 19 રાજ્યોની 73 બેઠકો ખાલી થશે

