Site icon Revoi.in

ગુજરાતમાં લસણનું 21,516 હેકટરમાં બમ્પર વાવેતર, સારા ભાવની આશાએ ખેડુતોએ વાવેતર વધાર્યું

Social Share

રાજકોટ  :  સૌરાષ્ટમાં આ વર્ષે રવિ સીઝનનું સારૂએવું વાવેતર થયું છે. ખરીફપાકના સારા ભાવ મળવાથી ખેડુતોએ પણ ખૂશખૂશાલ બનીને રવિ સીઝનમાં વાવેતર વધાર્યું છે. જેમાં  લસણનું વાવેતર દોઢા કરતા વધી જતા નવી સીઝનમાં પાક બમ્પર થવાની શક્યતા છે.  સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં લસણ પકવતા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પણ સવાયાથી દોઢાં વાવેતર થયાં હોવાની ખબરો મળી રહી છે. હવે બે માસ ઠંડીનું પ્રમાણ સારું રહે તો લસણના ઢગલા થાય એવા અણસાર મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોમાં આ વખતે લસણનું ખૂબ આકર્ષણ છે. તેનું કારણ સારા ભાવ મળવા અંગેનું છે. પાછલાં બે વર્ષમાં ખેડૂતોને સરેરાશ રૂ. 800-1200 સુધીના ભાવ સીઝનમાં એક તબક્કે મળ્યા હતા. બીજી તરફ ઉતારો પણ ગયા વર્ષમાં ઘણો સારો મળતા નીચા ભાવમાં પણ ખેડૂતોને વેચવું પોસાય તેવું હતું.  પાછલાં વર્ષમાં સરેરાશ 50-60 મણનો ઉતારો મળતો હતો તેના બદલે 70-90 મણ ઉતારો મળ્યો હતો. ભલે ગયા વર્ષમાં લસણની સાઇઝ નાની રહી પણ ખેડૂતોને લાભ ઘણો મળ્યો હતો.

રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે લસણનાં વાવેતરનો આંકડો 21,516 હેક્ટર આપ્યો છે. પાછલાં વર્ષમાં 13,190 હેક્ટરમાં વાવેતર હતું. સામાન્ય રીતે લસણનું વાવેતર 12 હજાર હેક્ટર આસપાસ રહેતું હોય છે તેનાં કરતાં વાવેતર ઘણું વધારે છે. સૌરાષ્ટ્રમાં અત્યારે લસણનો ભાવ એક મણ દીઠ રૂ.250-500 સુધીના ભાવ ચાલી રહ્યા છે. સીઝનનો અંત હવે નજીક છે છતાં નબળી ગુણવત્તાને લીધે ભાવ ઘટી ગયા છે એમ વેપારીઓ કહે છે, સારા માલ ઓછા આવે છે. જોકે આ વર્ષે મધ્યપ્રદેશમાં વાવેતર મોડાં થયા હોવાથી સૌરાષ્ટ્રના લસણના સ્ટોક પૂરા થઈ જશે એવું માનવામાં આવે છે.  મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ વર્ષે લસણનું વાવેતર વધારે છે ત્યાં પણ પાક વધારે આવશે. ગુજરાતમાં ઘઉંના પાક તરફ આકર્ષણ ઓછું છે. આ વખતે ખેડૂતો પ્રથમ ચણા બાદમાં રાયડો અને પછી લસણના પાક પર પસંદગી ઉતારી રહ્યા છે.