Site icon Revoi.in

ભારતમાં વધતી બેરોજગારી ચિંતાનો વિષય, ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.9% સાથે ચાર મહિનાની ટોચે

Social Share

નવી દિલ્હી: કોવિડ રોગચાળા બાદ ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો જેને કારણે દેશના અર્થતંત્રને મોટા પાયે નુકસાન થવા પામ્યુ હતું પરંતુ બાદમાં અનલોક બાદ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં રિકવરી જોવા મળી હતી. જો કે આ વચ્ચે હજુ પણ બેરોજગારીના આંકડાઓ ચિંતા વધારી રહ્યા છે. ડિસેમ્બર 2021માં ભારતનો બેરોજગારી દર 7.9 ટકાની ચાર મહિનાની ટોચે પહોંચ્યો છે.

ડિસેમ્બરમાં બેરોજગારી દર વધીને 7.9 ટકા થયો છે તેવું સેન્ટ્રલ ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડાઓમાં સામે આવ્યું છે. જે ઓગસ્ટના 8.3 ટકા પછીનો સૌથી ઉંચો બેકારીનો દર છે. દેશમાં ફરીથી ઓમિક્રોનના નવા વેરિએન્ટને દસ્તક દેતા કેટલાક રાજ્યોમાં ફરીથી નવા પ્રતિબંધો લાગૂ કરાયા છે જેને કારણે તેની પ્રતિકૂળ અસર આર્થિક પ્રવૃત્તિઓ પર પડશે.

ડિસેમ્બર મહિનામાં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર વધીને 9.3 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં 7.3 ટકાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે નવેમ્બરમાં ઉપરોક્ત બંને ક્ષેત્રોમાં બેરોજગારી દર અનુક્રમે 8.2 ટકા અને 6.4 ટકા હતો.

ડિસેમ્બર માસમાં રાજ્ય પ્રમાણે બેરોજગારની ટકાવારી પર નજર કરીએ તો, હરિયાણામાં સૌથી વધુ 34.1 ટકા બેરોજગારી હતી. ત્યારબાદ રાજસ્થાનમાં 27.1 ટકા, ઝારખંડમાં 17.3 ટકા, બિહારમાં 16 ટકા, જમ્મૂ કાશ્મીરમાં 15 ટકા નોંધાઇ હતી. દિલ્હીમાં બેરોજગારી દર 9.8 ટકા રહ્યો છે.