Site icon Revoi.in

અદાણી ફાઉન્ડેશન દ્વારા યુવાનોને ‘સક્ષમ’ બનાવવા 90 દિવસીય રોજગારલક્ષી તાલીમ

Social Share

રાષ્ટ્રીય યુવા દિન: યુવાનોને કાર્યકુશળ બનાવવાની દિશામાં કરાયેલ ઉત્તમ પ્રયાસ

અમદાવાદ, 12 જાન્યુઆરી 2022: અદાણી ફાઉન્ડેશન અને અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) હેઠળ ચાલતા પ્રોજેક્ટ સક્ષમ દ્વારા મુન્દ્રાના માછીમાર સમુદાયના 51 યુવાનોને 90 દિવસીય કૌશલ્ય આધારિત તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમાર્થી ઉમેદવારો ઉચ્ચ અથવા તકનીકી અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા 18-35 વર્ષની વય જૂથના છે.

આ કાર્યક્રમમાં યુવાનોને કડિયાકામ, બાર-બેન્ડિંગ અને ઇલેક્ટ્રિશિયન જેવા વિવિધ ટ્રેડમાં કુશળતા વધારવાની તાલીમ પૂરી પાડવામાં આવે છે. ASDC દ્રારા આયોજીત આ તાલીમ સત્રમાં ટેકનિકલ નિષ્ણાતો કોવિડ-19 પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરતા કચ્છી ભાષામાં જ તાલીમ આપશે. આ સત્રના સફળ આયોજન માટે વિશાળ હોલ, ઇલેક્ટ્રિશિયન લેબ અને ઓડિયો-વિઝ્યુઅલ સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. એટલું જ નહી, અદાણી ફાઉન્ડેશન દ્વારા તાલીમાર્થીઓને યુનિફોર્મ, સેફ્ટી બુટ, હેલ્મેટ, મોજા વગેરે પણ આપવામાં આવ્યા છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ, સફળ ઉમેદવારો મુંદ્રા પોર્ટ કે અન્ય સ્થળોએ સારી રોજગારી પ્રાપ્ત કરી શકશે.

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વસંત ગઢવીએ જણાવ્યું હતું કે, “ASDCs સમગ્ર ભારતમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. માછીમાર સમુદાય માટે તૈયાર કરવામાં આવેલ તાલીમ મોડ્યુલ યુવાનોને કુશળક્ષમ બનવામાં અને રોજગારી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. આ રાષ્ટ્રીય યુવા દિવસે તમામ યુવા તાલીમાર્થીઓને તેમનું પ્રશિક્ષણ સત્ર નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા વિનંતી કરું છું, જેથી કરીને તેમને સફળતા પ્રાપ્ત કરવામાં કાંઈ અડચણરૂપ રહે નહીં.”

ASDC માછીમાર સમુદાયના લોકોને તાલીમ અને તેના આધારે મુંદ્રા અને અન્ય સ્થળોએ રોજગારી અપાવવામાં મદદ કરતું રહ્યું છે. તાલીમ પામેલ કાર્યકુશળ યુવાનોને બાગાયત વાવેતર, રોડ બાંધકામ અને ઈમારતોની પેઇન્ટિંગ સંબંધિત નોકરીઓ પણ મળી રહે છે. તદુપરાંત, તેઓ પોત-પોતાની કુશળતા અને યોગ્યતા અનુસાર કરાર આધારિત કામ પણ મેળવી શકે છે. દરિયાખેડૂઓને કોઈપણ આર્થિક અવરોધોનો સામનો ન કરવો પડે અને પૂરક વ્યવસાયો દ્વારા રોજગારી મળી રહે તે સુનિશ્ચિત કરવા અનેક પ્રયાસો કરવામાં આવે છે.

જુના બંદર શેખડિયાના નેતા કાસમ હસન જામ જણાવે છે કે, “માછીમારો તરીકે અમે અમારા જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે. અમે નથી ઈચ્છતા કે અમારી યુવા પેઢી અનિશ્ચિતતાઓથી ભરેલી આવી જ પરિસ્થિતિઓનો

સામનો કરે. અમને આશા છે કે સક્ષમ કૌશલ્ય પ્રશિક્ષણ આપણા યુવાનો માટે સફળતાનો માર્ગ મોકળો કરશે.”

મહાનુભાવોના હસ્તે તુલસીના છોડને જળ અર્પણ કરીને તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. મહેમાનો અને માછીમારી સમાજના આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન વિશે-

1996માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન આજે 16 રાજ્યોમાં વ્યાપક કામગીરી ધરાવે છે, જેમાં દેશના 2,410 ગામડાઓ અને શહેરોનો સમાવેશ થાય છે. સંસ્થામાં કુશળ કર્મચારીઓની ટીમ હંમેશા નૂતન અને લોક ભાગીદારીયુક્ત સહયોગને મૂર્ત સ્વરૂપ આપવાના અભિગમથી કામ કરે છે. સંસ્થા 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શતા મુખ્ય ચાર મુખ્ય ક્ષેત્રો – શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, સક્ષમ આજીવિકા વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની દિશામાં રાષ્ટ્રનિર્માણ માટે અવિરત કાર્ય કરે છે.